ચોથી ટેસ્ટની પૂર્વસંધ્યાએ ભારત-ઇંગ્લૅન્ડના કૅપ્ટનની `સામસામી' માઇન્ડગેમ...

ચોથી ટેસ્ટની પૂર્વસંધ્યાએ ભારત-ઇંગ્લૅન્ડના કૅપ્ટનની `સામસામી’ માઇન્ડગેમ…

શુભમન ગિલ અને બેન સ્ટૉક્સે પત્રકાર પરિષદમાં કહ્યું કે...

મૅન્ચેસ્ટરઃ ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીના બૅનર હેઠળ રમાતી પાંચ મૅચની ટેસ્ટ સિરીઝમાં બીજી મૅચના અંત સુધી ભારત (India) અને ઇંગ્લૅન્ડ (England)ની ટીમ 1-1ની બરાબરીમાં હતી, પરંતુ શ્રેણી દરમ્યાન હરીફ ખેલાડીઓ વચ્ચે થોડી ગરમાગરમી થઈ અને લૉર્ડ્સમાં ભારે લડત આપ્યા બાદ ટીમ ઇન્ડિયાનો પરાજય થતાં બ્રિટિશરો એક ડગલું આગળ થઈ ગયા છે અને હવે અહીં ઑલ્ડ ટ્રેફર્ડમાં બુધવારે (બપોરે 3.30 વાગ્યાથી) ચોથી મૅચનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે.

આ કટોકટીના સમયે હરીફ કૅપ્ટનોએ ટીમની વ્યૂહરચના કરતાં હરીફ ટીમને માનસિક દબાણમાં કેવી રીતે લાવવી એની કોશિશ કરી છે. ખાસ કરીને બ્રિટિશ સુકાની બેન સ્ટૉક્સે (Ben Stokes) ઘરઆંગણે પોતાની ટીમને 2-1થી આગળ કર્યા બાદ હવે ભારતીયોને વધુ પ્રેશરમાં લાવવાનું જાણે નક્કી કરી લીધું છે.

લૉર્ડસ ટેસ્ટમાં જાણી જોઈને મેદાન પર મોડા આવવાની અને બાકી રહેલી અમુક ક્ષણોની રમતને પણ ખોરવી નાખવાની બ્રિટિશ ટીમની હરકતને શુભમન ગિલે (Shubhman Gill) મંગળવારની પત્રકાર પરિષદમાં ઉઘાડી પાડી હતી, જ્યારે બેન સ્ટૉક્સે કહ્યું હતું કે ચોથી ટેસ્ટમાં ભારતીય ખેલાડીઓની કોઈ પણ પ્રકારની આક્રમકતાનો અમે શાંતિથી જવાબ આપીશું. અમે કંઈ સ્લેજિંગનો સહારો નહીં લઈએ. જોકે લાંબી ટેસ્ટ સિરીઝમાં સામસામી થોડી ગરમાગરમી શક્ય હોય અને બન્ને ટીમ પર માનસિક દબાણ તો રહેવાનું જ.

હા, એટલું કહી દઉં કે અમે હરીફ ટીમની આક્રમકતાને હળવાશથી પણ નહીં લઈએ. શરૂઆત અમે નહીં કરીએ, કારણકે એવું કરીશું તો ગેમ પરથી અમારી એકાગ્રતા હટી જશે. હા, હરીફો અમારી સામે ઝઘડાનો (તકરારનો) સહારો લેશે એ પણ અમે નહીં ચલાવી લઈએ.’ બેન સ્ટૉક્સે એવું પણ કહ્યું હતું કે ત્રણેય ટેસ્ટ લાજવાબ રહી. મૅચના પાંચેય દિવસ રમવાની અને મૅચના વળાંકોનો અનુભવ કરવાની મજા આવી ગઈ.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button