બ્રિટિશ ફીલ્ડરોએ જોરદાર અપીલ કરી, પંત ઈજાને લીધે કણસતો રહ્યો અને પછી…

બ્રિટિશ ફીલ્ડરોએ જોરદાર અપીલ કરી, પંત ઈજાને લીધે કણસતો રહ્યો અને પછી…

ભારતીય વાઇસ-કૅપ્ટન સિરીઝની બહાર, પાંચથી છ અઠવાડિયાના આરામની સલાહ

મૅન્ચેસ્ટરઃ અહીં ઑલ્ડ ટ્રેફર્ડમાં ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે એક તરફ યજમાન ઇંગ્લૅન્ડની ટીમનો હાથ ઉપર હતો ત્યાં બીજી બાજુ ભારતીય ટીમની પ્લેઇંગ-ઇલેવન લગભગ પ્લેઇંગ-ટેન થઈ ગઈ હતી, કારણકે વાઇસ-કૅપ્ટન રિષભ પંત (Rishabh Pant) જમણા પગની ઈજાને લીધે સિરીઝની લગભગ બહાર થઈ ગયો છે. બુધવારે રમતના બીજા સત્ર દરમ્યાન ફાસ્ટ બોલર ક્રિસ વૉક્સના યૉર્કરમાં પંત રિવર્સ સ્વીપનું સાહસ કરવા ગયો ત્યારે બૉલ તેના જમણા પગના નીચેના ભાગ પર વાગ્યો હતો. બ્રિટિશ ફીલ્ડરોએ એલબીડબ્લ્યૂની જોરદાર અપીલ કરી હતી ત્યાં પંત પગના દુખાવાને કારણે કણસતો રહ્યો હતો અને ક્રીઝની બહાર નીકળી ગયો હતો. તેના પગમાંથી લોહી નીકળ્યું હતું.

જોકે બ્રિટિશ ટીમે જે રિવ્યૂ લીધી હતી એમાં પંત નૉટઆઉટ જાહેર કરાયો હતો, પરંતુ ગંભીર ઈજાને કારણે તેને ઍમ્બ્યૂલન્સ તરીકે ઓળખાતી ગૉલ્ફ બગીમાં બેસાડીને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. ત્યારે પંતનો પગ તરત સૂજી ગયો હતો અને તે સરખો ઊભો પણ નહોતો રહી શકતો. તેને સ્ટેડિયમની ક્લિનિકમાં લઈ જવામાં આવ્યો હતો અને કૅપ્ટન શુભમન ગિલ તરત તેની પાસે પહોંચી ગયો હતો અને ત્યાંથી પંતને પગના સ્કૅન માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પંત 37 રને રિટાયર હર્ટ થયો હતો. તે લડાયક વૃત્તિનો બૅટ્સમૅન છે. ઘાયલ થતાં પહેલાં તેણે જોફ્રા આર્ચરના બૉલમાં સ્વીપ શૉટ માર્યો હતો અને પછી ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સ જાણે સ્પિનર હોય એ રીતે તેના બૉલમાં ફટકો માર્યો હતો.

પંતની ઈજા કેવા પ્રકારની છે?
પંતને જમણા પગમાં ફ્રૅક્ચર (fracture) થયું છે અને ડૉક્ટરે તેને પાંચથી છ અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી છે. તે મૂન બૂટ પહેરીને સ્ટેડિયમમાં પાછો આવ્યો હતો. મૂન બૂટ પગના રક્ષણ માટેના એક પ્રકારના ઑર્થોપેડિક બૂટ છે. પંતને મેટાટાર્સલ બોન્સ (Metatarsal bones) પ્રકારની ઈજા થઈ છે. આમાં દર્દીને પગના અંગૂઠા અને ઘૂંટી વચ્ચેના પાંચ લાંબા હાડકામાં ઈજા થઈ હોય છે.

આઠ વર્ષે ફરી રમી રહેલા ઇંગ્લૅન્ડના સ્પિનર લિઆમ ડૉસને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે `આશા રાખું છું કે પંતને જલદી સારું થઈ જશે. જોકે મને નથી લાગતું કે તે આ મૅચમાં ફરી રમી શકશે. તેની ઈજા ગંભીર છે.’પંતને લૉર્ડ્સની ત્રીજી ટેસ્ટમાં હાથની આંગળીમાં ઈજા થઈ હતી જેને લીધે તેણે ફક્ત બૅટિંગ કરી હતી અને ધ્રુવ જુરેલે વિકેટકીપિંગમાં તેના સ્થાને જવાબદારી સંભાળી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button