રાહુલને લંચ પહેલાં 100મો રન અપાવવાની ઉતાવળમાં પંતે વિકેટ ગુમાવી…
મેં જ પંતને કહેલું કે બને તો મારે લંચ પહેલાં જ સેન્ચુરી પૂરી કરી લેવી છેઃ રાહુલ

લંડનઃ શનિવારે અહીં લૉર્ડ્સ (LORD’S)ની ટેસ્ટના ત્રીજા દિવસે લંચના વિશ્રામની થોડી ક્ષણો પહેલાં ભારતનો સ્કોર 3/247 હતો અને ઓપનર કે. એલ. રાહુલ 10મી સદી ફટકારવાની તૈયારીમાં જ હતો ત્યાં સ્પિનર શોએબ બશીરની ઓવરના ત્રીજા બૉલમાં રિષભ પંતે (RISHABH PANT) પોતાના 74 રનના સ્કોર પર ઉતાવળ કરીને રન લેવા જતાં બેન સ્ટૉક્સના સીધા અફલાતૂન થ્રોમાં રનઆઉટમાં જે વિકેટ ગુમાવી એની જવાબદારી ખુદ રાહુલે (KL RAHUL) સ્વીકારી છે.
રાહુલે પોતે 100 રન પૂરા કર્યા બાદ તરત જ આઉટ થઈ ગયો હતો. જોતજોતામાં ભારતનો સ્કોર 3/247 પરથી 5/254 થઈ ગયો હતો. સાત રનમાં ભારતે બે મહત્ત્વની વિકેટ ગુમાવી હતી અને મૅચ પરની પકડ ભારતે ગુમાવી દીધી હતી. ખુદ રાહુલે શનિવારની રમત પછી એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે લંચ (LUNCH) પહેલાં સેન્ચુરી (CENTURY) પૂરી કરવાની ઉતાવળમાં ટીમે પંતની વિકેટ ગુમાવવી પડી હતી. રાહુલે મુલાકાતમાં નિખાલસપણે કહ્યું, ` મેં લંચ અગાઉની બે ઓવર પહેલાં પંતને કહ્યું હતું કે બને તો મારે લંચમાં જતાં પહેલાં જ સદી પૂરી કરી લેવી છે. એક બૉલમાં મારે ફોર ફટકારી દેવી જોઈતી હતી, પણ હું ચૂક્યો અને બૉલ સીધો ફીલ્ડર પાસે મોકલી દીધો હતો.
મેં કહેલી વાત યાદ રાખીને પંત મને સ્ટ્રાઇક આપવાની ઉતાવળમાં રન લેવા દોડ્યો અને નૉન-સ્ટ્રાઇક એન્ડ પર રનઆઉટ થઈ ગયો હતો. એ નહોતું થવું જોઈતું. અમે બન્ને સેટ થઈ ગયા હતા અને સારા તાલમેલથી રમી રહ્યા હતા. આ રીતે વિકેટ જાય એ કોઈ પણ બૅટ્સમૅનને ન ગમે.’
રાહુલ અને પંત વચ્ચે 198 બૉલમાં 141 રનની ભાગીદારી થઈ હતી. ત્યાર પછી રવીન્દ્ર જાડેજા અને નીતીશ રેડ્ડી વચ્ચે 72 રનની અને જાડેજા-વૉશિંગ્ટન સુંદર વચ્ચે 50 રનની ભાગીદારી થઈ હતી. ભારત એ દાવમાં 387 રનના સ્કોર પર આઉટ થઈ ગયું હતું. ઇંગ્લૅન્ડે પણ પહેલા દાવમાં 387 રન કર્યા હતા.