સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડની 3-0થી ક્લીન સ્વીપ, બેન સ્ટોક્સની વિક્રમી ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી

એજબેસ્ટન: બેન સ્ટોક્સના સુકાનમાં ઇંગ્લૅન્ડની સ્ટાર ખેલાડીઓવાળી ટીમે રવિવારે વેસ્ટ ઇન્ડિઝની બિન-અનુભવી ટીમને ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં ત્રીજા દિવસે હરાવીને સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરી હતી.

ઇંગ્લૅન્ડને જીતવા માત્ર 82 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. બેન સ્ટોક્સ (57 અણનમ, 28 બૉલ, બે સિક્સર, નવ ફોર) માત્ર 24 બૉલમાં 50 રન પૂરા કરીને ટેસ્ટમાં ઇંગ્લૅન્ડનો ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરિયન બન્યો હતો. તે વિશ્વના ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરિયનોમાં ટૉપ-5માં આવી ગયો છે.

ઓપનર ઝેક ક્રોવ્લી ઈજાને લીધે બેટિંગમાં ન આવી શકતા ખુદ કેપ્ટન બેન સ્ટોક્સ બૅટ લઈને મેદાન પર ઊતર્યો હતો અને ફટકાબાજી કરી હતી. બેન ડકેટ પચીસ રને અણનમ રહ્યો હતો. બન્નેએ મળીને 7.2 ઓવરમાં 87 રન બનાવીને ઇંગ્લૅન્ડને જીતાડી દીધું હતું. સ્ટોકસે હરીફ સુકાની ક્રેગ બ્રેથવેઇટના ફુલટૉસમાં વિનિંગ સિક્સર ફટકારી હતી.

એ પહેલાં, બીજા દાવમાં પેસ બોલર માર્ક વૂડે 40 રનમાં પાંચ વિકેટ લેતા ક્રેગ બ્રેથવેઇટની ટીમ 175 રનમાં આઉટ થઈ ગઈ હતી.

પહેલા દાવમાં વેસ્ટ ઇન્ડિઝના 282 રનના જવાબમાં ઇંગ્લૅન્ડે 376 રન બનાવ્યા હતા. માર્ક વૂડ (મૅચમાં કુલ સાત વિકેટ)ને મૅન ઑફ ધ મૅચનો અને સિરીઝમાં હાઈએસ્ટ કુલ 22 વિકેટ લેવા બદલ પેસ બોલર ગસ ઍટકિન્સનને મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. શ્રેણીમાં 13 વિકેટ લેનાર પેસ બોલર જેડન સીલ્ઝ વેસ્ટ ઈન્ડિઝનો મૅન ઓફ ધ સિરીઝ હતો.

જો રૂટ 291 રન સાથે શ્રેણીમાં નંબર-વન અને ઑલી પૉપ 239 રન સાથે નંબર-ટૂ હતો. માર્ક વૂડ, ઍટકિન્સન અને બીજા બોલર્સે શ્રેણીની શરૂઆતમાં જ રિટાયર થયેલા જેમ્સ ઍન્ડરસનની ખોટ નહોતી વર્તાવા દીધી.

ટેસ્ટના ફાસ્ટેસ્ટ ફિફટીમાં કોણ મોખરે

(1) મિસબાહ-પાકિસ્તાન, 21 બૉલમાં, ઓસ્ટ્રેલિયા સામે, 2014માં
(2) વૉર્નર-ઓસ્ટ્રેલિયા, 23 બૉલમાં, પાકિસ્તાન સામે, 2017માં
(3) કૅલિસ-સાઉથ આફ્રિકા, 24 બૉલમાં, ઝિમ્બાબ્વે સામે, 2005માં
(4) બેન સ્ટોક્સ-ઇંગ્લૅન્ડ, 24 બૉલમાં, વેસ્ટ ઇન્ડિઝ સામે, 2024માં
(5) શિલિંગફર્ડ-વેસ્ટ ઇન્ડિઝ, 25 બૉલમાં, ન્યૂ ઝીલૅન્ડ સામે, 2014માં

(નોંધ: ભારતીયોમાં રિષભ પંતના 28 બૉલમાં 50 રન ફાસ્ટેસ્ટ છે.)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button