શુક્રવારથી ભારત-ઇંગ્લૅન્ડની પ્રથમ ટેસ્ટઃ બપોરે 3.30 વાગ્યે મુકાબલો શરૂ
ભારતનો ચોથા નંબરનો બૅટ્સમૅન નક્કી થઈ ગયો, ઇંગ્લૅન્ડે પ્લેઇંગ-ઇલેવન જ જાહેર કરી દીધી

લીડ્સઃ અહીંના હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડમાં શુક્રવાર, 20મી જૂને (બપોરે 3.30 વાગ્યે) ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ મૅચવાળી ટેસ્ટ-સિરીઝની પ્રથમ મૅચ શરૂ થશે અને આરંભને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે બન્ને ટીમ તરફથી કંઈકને કંઈક જાહેરાત કરવામાં આવી છે. ભારત (India)ના વાઇસ-કૅપ્ટન રિષભ પંતે પુષ્ટિ આપતા જણાવ્યું છે કે વિરાટ કોહલીના ખાલી પડેલા ચોથા નંબર પર કૅપ્ટન શુભમન ગિલ બૅટિંગ કરશે. રોહિત શર્માની નિવૃત્તિને પગલે સુકાની બનેલા ગિલના વનડાઉનના સ્થાને કોણ રમશે એ હજી નક્કી નથી, પરંતુ સામા પક્ષે બેન સ્ટૉક્સના નેતૃત્વમાં ઇંગ્લૅન્ડની પ્લેઇંગ-ઇલેવન (playing eleven)ની જાહેરાત થઈ ગઈ છે.
વનડાઉનમાં કરુણ નાયર કે બી. સાઇ સુદર્શન? એ પ્રશ્ન સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ બન્નેને ઇલેવનમાં સમાવાશે એવી સંભાવના છે, કારણકે પંતના પાંચમા સ્થાન બાદ ટીમ ઇન્ડિયાને એક સ્પેશિયલ બૅટ્સમૅનની જરૂર છે જ. ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ રમશે.
આ પણ વાંચો: સચિન તેન્ડુલકરે કરી આ વિનંતી, ભારત અને ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડ તરત સંમત થઈ ગયા
યજમાન ઇંગ્લૅન્ડે (England) ભારત સામે વનડાઉનમાં જેકબ બેથેલને રમાડવાને બદલે ઑલી પોપને ટીમમાં જાળવી રાખવાનું પસંદ કર્યું છે. પોપ વાઇસ-કૅપ્ટન છે અને કૅપ્ટન સ્ટૉક્સ અને હેડ-કોચ બ્રેન્ડન મૅક્લમે પોપ પર પસંદગી ઊતારી છે.
ઇંગ્લૅન્ડની પ્લેઇંગ-ઇલેવનઃ
બેન સ્ટૉક્સ (કૅપ્ટન), જૅમી સ્મિથ (વિકેટકીપર), ઝૅક ક્રૉવ્લી, બેન ડકેટ, ઑલી પોપ (વાઇસ-કૅપ્ટન), જૉ રૂટ, હૅરી બ્રૂક, ક્રિસ વૉક્સ, બ્રાયડન કાર્સ, જૉશ ટન્ગ અને શોએબ બશીર.