સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડને 332 રનની જરૂર, ભારતે નવ વિકેટ લેવાની બાકી

બ્રિટિશરોને 399નો ટાર્ગેટ મળ્યો છે, ભારતની ધરતી પર હરીફ ટીમ વધુમાં વધુ 276 રનનો સફળ ચેઝ નોંધાવી શકી છે

વિશાખાપટ્ટનમ: ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં ભારતીય બૅટિંગ લાઇન-અપ દરેક દાવમાં એક-એક બૅટરની શાનદાર ઇનિંગ્સ છતાં ખુલ્લી પડી ગઈ છે, પરંતુ બોલિંગ-આક્રમણ દરેક બ્રિટિશ બૅટર માટે માથાનો દુખાવો થઈ ગયું છે અને એવી હાલતમાં બેન સ્ટૉક્સની ટીમે બીજી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી)માં 399 રનનો લક્ષ્યાંક મેળવવાનો છે.

આ ટાર્ગેટ ઊંચો જરૂર છે, પણ એ મેળવવો અસંભવ નથી એટલે સોમવારે પહેલા બે સેશનમાં ભારતની બોલિંગ કેવી અસરદાર રહેશે એના પર ઘણો આધાર રહેશે. રવિવારના ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડે 67 રનમાં બેન ડકેટની વિકેટ ગુમાવી દીધી હતી, જ્યારે બીજો ઓપનર ઝૅક ક્રૉવ્લી 29 રને અને નાઇટ-વૉચમૅન રેહાન અહમદ નવ રને રમી રહ્યો હતો.

ભારતના પાંચેય બોલરમાં માત્ર આર. અશ્ર્વિન વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. પ્રથમ દાવમાં છ વિકેટ લઈને ઇંગ્લિશ છાવણીમાં હાહાકાર મચાવનાર બુમરાહની પાંચ ઓવરમાં બ્રિટિશ બૅટરો અંકુશમાં રહ્યા હતા. તેની એક ઓવર મેઇડન હતી અને ચાર ઓવરમાં ફક્ત નવ બન્યા હતા. મુકેશ કુમારને 19 રનમાં, પ્રથમ ઇનિંગ્સમાં ત્રણ વિકેટ લેનાર કુલદીપ યાદવને 21 રનમાં અને અક્ષર પટેલને 10 રનમાં વિકેટ નહોતી મળી.

ઇંગ્લૅન્ડને જીતવા 332 રનની જરૂર છે, જ્યારે ભારતીય ટીમ બાકીની નવ વિકેટની તલાશમાં છે.

ઇંગ્લૅન્ડના બૅટરો ‘બૅઝબૉલ’ની સ્ટાઇલથી એટલે કે આક્રમક મિજાજમાં રમવા જશે તો મુસીબતમાં મૂકાઈ શકે. જોકે તેમની પાસે સમય પુષ્કળ (બે દિવસનો) છે એટલે જેમ પ્રથમ ટેસ્ટના બીજા દાવમાં 196 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમ્યો હતો એવું જો તે કે બીજો કોઈ ઇંગ્લિશ બૅટર રમશે તો ભારતીય ટીમ મુશ્કેલીમાં આવી શકે અને ઇંગ્લૅન્ડની ટીમ 2-0થી સરસાઈ મેળવી શકે.

જોકે ભારતની પિચ પર ભારતને વારંવાર હરાવવું કોઈ પણ ટીમ માટે આસાન નથી. વિશાખાપટ્ટનની પિચ પર બૉલ થોડો નીચો રહી જાય છે, પરંતુ આ બૅટિંગ પિચ છે એટલે ઇંગ્લૅન્ડના ખેલાડીઓ 399 રનનો ટાર્ગેટ મેળવી લેવા કોઈ કસર તો નહીં જ છોડે.

હા, ઝૅક ક્રૉવ્લીએ રવિવારે રમતના અંત પહેલાં ‘બૅઝબૉલ’નો અણસાર આપી જ દીધો હતો. તેણે 50 બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોરની મદદથી 29 રન બનાવ્યા હતા અને નૉટઆઉટ હતો.

અહીં એક વાત નક્કી છે કે એશિયામાં 400ની નજીકનો લક્ષ્યાંક મેળવવા જતાં ભલભલી ટીમે નિષ્ફળતા જોવી પડી છે. બે વર્ષ પહેલાં બાંગ્લાદેશમાં વેસ્ટ ઇન્ડિઝે 395 રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો અને એશિયામાં એ સ્કોર હાઈએસ્ટ ચેઝનો વિક્રમ છે. એ તો ઠીક, પણ ભારતની ધરતી પર હરીફ ટીમ વધુમાં વધુ 276 રનનો સફળ ચેઝ (1987માં દિલ્હીમાં વેસ્ટ ઇન્ડિઝ)નોંધાવી શકી છે. ભારતમાં એનાથી વધુ કોઈ પણ ટાર્ગેટ મેળવવામાં હરીફ ટીમ નિષ્ફળ રહી છે.

યાદ રહે, ઇંગ્લૅન્ડને જીતવા 399 રનનો લક્ષ્યાંક મળ્યો છે એટલે કોઈ ચમત્કારિક બૅટિંગ પર્ફોર્મન્સ જ તેમને પરાજયથી બચાવી શકશે. હા, ભારતમાં ભારતનો સફળ ચેઝ સૌથી વધુ 387/4નો છે જે એણે 2008માં ચેન્નઈમાં ઇંગ્લૅન્ડ સામે હાંસલ કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…