ત્રીજી ટેસ્ટ જીત્યા પછી ઈગ્લેન્ડની ટીમમાં ફેરફારઃ બશીરના સ્થાને લિયામ ડોસનને મળી તક

લંડનઃ ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં જીત બાદ ઈગ્લેન્ડની ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત સ્પિનર શોએબ બશીરના બદલે ડાબોડી સ્પિનર લિયામ ડોસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
લિયામ ડોસનની આઠ વર્ષ બાદ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં વાપસી થઇ છે. 23 જૂલાઈથી માન્ચેસ્ટરમાં ભારત સામે શરૂ થનારી ચોથી ટેસ્ટ મેચ માટે ઈજાગ્રસ્ત શોએબ બશીરના સ્થાને તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: લૉર્ડ્સમાં ભારતની હારનાં આ રહ્યા મુખ્ય છ કારણ
ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતની પહેલી ઇનિંગ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે બશીરને ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું. ઈંગ્લેન્ડે આ મેચ 22 રનથી જીતી હતી. ઈજા છતાં બશીરે ભારતની બીજી ઇનિંગમાં બોલિંગ કરી અને મોહમ્મદ સિરાજને આઉટ કરીને પોતાની ટીમને રોમાંચક જીત અપાવવામાં મદદ કરી હતી.
35 વર્ષીય ડોસને 2017માં દક્ષિણ આફ્રિકા સામેની પોતાની ત્રણ ટેસ્ટ મેચમાંથી છેલ્લી મેચ રમી હતી. તેણે સાત વિકેટ ઝડપી હતી. ઉપરાંત, તેણે ઈંગ્લેન્ડ માટે છ વનડે અને 14 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે. તે ઘણા વર્ષોથી હેમ્પશાયર માટે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે અને 2023 અને 2024માં તેને પીસીએ પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: બેન સ્ટૉકસે વર્લ્ડ ચેમ્પિયનપદની ઍનિવર્સરીના જ દિવસે ઇંગ્લૅન્ડને જિતાડ્યું
ડોસને અત્યાર સુધી 212 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 371 વિકેટ લીધી છે. તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 10,000થી વધુ રન કર્યા છે જેમાં 18 સદીનો સમાવેશ થાય છે. ઈંગ્લેન્ડના પસંદગીકાર લ્યૂક રાઈટે કહ્યું હતું કે, “લિયામ ડોસન ટીમમાં સામેલ થવાને લાયક હતો. કાઉન્ટી ચેમ્પિયનશિપમાં તેમનું પ્રદર્શન ઉત્તમ રહ્યું છે અને તેણે હેમ્પશાયર માટે સતત સારું પ્રદર્શન કર્યું છે.”
ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમઃ બેન સ્ટોક્સ (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, જેક ક્રોલી, લિયામ ડોસન, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ, જોશ ટંગ, ક્રિસ વોક્સ.