ભારત સામેની ટેસ્ટ સિરીઝ પૂર્વે ઇંગ્લેન્ડના બોલર ટોમ હાર્ટલીએ આપ્યું મહત્ત્વનું નિવેદન
લંડનઃ યુવા સ્પિનર ટોમ હાર્ટલીને લાગે છે કે ઇંગ્લેન્ડે તેને ભારતના ટેસ્ટ પ્રવાસ માટે ટીમમાં પસંદ કરીને થોડું જોખમ ઉઠાવ્યું છે પરંતુ તેણે કહ્યું હતું કે પરિસ્થિતિ તેની બોલિંગને અનુરૂપ હશે અને તે ટીમની અપેક્ષા પુરી કરવાનો પ્રયાસ કરશે.
ઇંગ્લેન્ડે ગયા મહિને પણ હૈદરાબાદમાં 25 જાન્યુઆરીથી શરૂ થનારી ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની સીરિઝ માટે તેમની 16 સભ્યોની ટીમમાં ‘અનકેપ્ડ’ હાર્ટલીનો સમાવેશ કર્યો હતો.
24 વર્ષના ટોમ હાર્ટલીએ કહ્યું હતું કે ભારતની સ્થિતિ ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓથી સંપૂર્ણપણે અલગ હશે. તેઓએ ખરેખર જોયું છે કે ભારતમાં શું કામ કરે છે. તેણે કહ્યું હતું કે એ જોઈને સારું લાગે છે કે તેઓ સમજે છે કે ભારત ગયા પછી હું સારો બોલર બની શકીશ, જ્યારે લોકો તમારા પર આ પ્રકારનો વિશ્વાસ રાખે છે ત્યારે તે અદભૂત લાગે છે. ટોમ હાર્ટલીએ કહ્યું હતું કે મને લાગે છે કે આ વિશ્વાસ મારો આત્મવિશ્વાસ વધારશે અને હું ત્યાં બહાર જઈને સારું પ્રદર્શન કરવા માટે ઉત્સુક છું.
અહીં સૌથી મહત્ત્વની બાબત એ છે કે ઇંગ્લેન્ડ આ વખતના વર્લ્ડ કપમાં સૌથી નબળું પ્રદર્શન કર્યું હતું. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશની તુલનામાં ઇંગ્લેન્ડે નબળું પ્રદર્શન કરીને ટીમની જોરદાર ટીકા થઈ હતી.
બીજી બાજુ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ખેડીને આવેલી ટીમ ઈન્ડિયા માટે ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચની સિરીઝ પણ પડકાર રહી શકે છે, કારણ કે ભારતીય ટીમમાં નવોદિતોની સામે સિનિયરનું સિલેક્શન પણ પડકારજનક બાબત છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.