બટલર આઇપીએલ પછી વેસ્ટ ઇન્ડિઝ સામે પણ સદી ચૂક્યો
ઇંગ્લૅન્ડે કૅરિબિયનોને પ્રથમ ટી-20માં હરાવ્યું, ડાઉસનની ચાર વિકેટ

ચેસ્ટર-લી-સ્ટ્રીટઃ ઇંગ્લૅન્ડે શુક્રવારે વેસ્ટ ઇન્ડિઝને વન-ડે સિરીઝમાં 3-0થી હરાવ્યા બાદ ટી-20 શ્રેણીની પ્રથમ મૅચમાં 21 રનથી હરાવીને 1-0થી સરસાઈ મેળવી હતી. જૉસ બટલર (96 રન, 59 બૉલ, ચાર સિક્સર, છ ફોર) ચાર રન માટે બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય સદી ચૂકી ગયો હતો. બટલર (Jos Buttler) તાજેતરની આઇપીએલમાં પણ સેન્ચુરી ચૂકી ગયો હતો.
જોકે ભૂતપૂર્વ કૅપ્ટન બટલરના શુક્રવારના 96 રનની મદદથી ઇંગ્લૅન્ડે છ વિકેટે 188 રન કર્યા હતા જેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે 20 ઓવરમાં નવ વિકેટે 167 રન કર્યા અને હૅરી બ્રૂકે પોતાની કૅપ્ટન્સીમાં પહેલી જ ટી-20માં જીત હાંસલ કરી હતી. કૅરિબિયન ટીમમાં ઓપનર એવિન લુઇસના 39 રન હાઇએસ્ટ હતા.
સ્પિનર ડાઉસન મૅન ઑફ ધ મૅચ
35 વર્ષના લેફ્ટ-આર્મ સ્પિનર લિઆમ ડાઉસન (4-0-20-4)ને પોણાત્રણ વર્ષે ફરી ઇંગ્લૅન્ડ (England) વતી રમવા મળ્યું અને તેણે ટી-20માં બેસ્ટ પર્ફોર્મ કરીને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી લીધો. ડાઉસન ઇંગ્લૅન્ડ વતી 2016થી 2025 દરમ્યાન ત્રણ ટેસ્ટ, છ વન-ડે અને 12 ટી-20 રમ્યો છે. તેણે અગાઉની 11 ટી-20માં છ વિકેટ લીધી હતી, પણ શુક્રવારે એક જ મૅચમાં ચાર વિકેટ મેળવી હતી. ટૉપ-ઑર્ડરના છમાંથી ચાર બૅટ્સમેન (જૉન્સન ચાર્લ્સ, શેરફેન રુધરફર્ડ, રૉસ્ટન ચેઝ, રૉવમૅન પોવેલ)ને ડાઉસને (Liam Dawson) આઉટ કર્યા હતા. ઇંગ્લૅન્ડ વતી જેકબ બેથેલ અને મૅથ્યૂ પૉટ્સે બે-બે વિકેટ તથા સ્પિનર આદિલ રાશીદે એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: બુમરાહ કઈ ત્રણ ટેસ્ટ રમશે? હેડ-કોચ ગૌતમ ગંભીર કહે છે કે…
બટલરના ગુજરાત વતી અણનમ 97 રન હતા
આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ વતી રમનાર જૉસ બટલર 19મી એપ્રિલે અમદાવાદમાં દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચમાં 97 રન પર અણનમ રહ્યો હતો. તે સેન્ચુરી ત્રણ રન માટે ચૂકી ગયો હતો, પરંતુ ગુજરાતે એ મૅચમાં બટલરના મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. તેની અને કૅરિબિયન ખેલાડી શેરફેન રુધરફર્ડ (43 રન) સાથે ત્રીજી વિકેટ માટે 119 રનની ભાગીદારી કરી હતી. યોગાનુયોગ, બટલર અને જોડીદાર રુધરફર્ડ શુક્રવારની મૅચમાં સામસામી ટીમમાં હતા. રુધરફર્ડ શુક્રવારે બટલરની વિકેટ નહોતો લઈ શક્યો, પરંતુ તેણે ઇંગ્લૅન્ડના જ જૅમી સ્મિથ અને બેન ડકેટની વિકેટ લીધી હતી.