ઈગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે લીધી નિવૃતિઃ ભારત સામે રમી હતી અંતિમ ટેસ્ટ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ઈગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે લીધી નિવૃતિઃ ભારત સામે રમી હતી અંતિમ ટેસ્ટ

લંડનઃ ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સમય આવી ગયો છે અને મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. 36 વર્ષીય ખેલાડીનો તાજેતરમાં એશિઝ શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો. વોક્સ ખભાની ઇજાથી પીડાઈ રહ્યા છે. તેને જુલાઈમાં ભારત સામેની પાંચમી ટેસ્ટમાં થઈ હતી.

ઇંગ્લેન્ડની પુરુષ ટીમના મેનેજિંગ ડિરેક્ટર રોબ કીએ જણાવ્યું હતું કે વોક્સ “અમારી ભવિષ્યની યોજનાઓમાં નથી.” ત્યાર બાદ તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રતિષ્ઠિત એશિઝ શ્રેણી આ વર્ષે નવેમ્બરમાં શરૂ થશે. પાંચ ટેસ્ટની આ શ્રેણીની પહેલી મેચ 21 નવેમ્બરે, બીજી 4 ડિસેમ્બરે, ત્રીજી 17 ડિસેમ્બરે, ચોથી 26 ડિસેમ્બરે અને પાંચમી 4 જાન્યુઆરીએ રમાશે.

વોક્સે પોતાની કારકિર્દીમાં 62 ટેસ્ટ, 122 વન-ડે અને 33 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તે છેલ્લે ભારત સામે ઓવલ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ માટે રમતા જોવા મળ્યો હતો. આ મેચમાં તે ખભા પર પટ્ટી લગાવીને 11મા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. જોકે, તે ઈંગ્લેન્ડને શ્રેણી જીતવામાં મદદ કરવામાં નિષ્ફળ ગયો હતો અને સીરિઝ 2-2 થી ડ્રો રહી હતી.

આ પણ વાંચો: ઓવલ ટેસ્ટનો હીરો બન્યો વોક્સ: ખભામાં ઈજા છતાં બેટિંગ કરવા કેમ ઉતર્યો? કર્યો મોટો ખુલાસો

વોક્સે સોશિયલ મીડિયા પર એક મેસેજમાં પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે અને મેં નક્કી કર્યું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો મારા માટે યોગ્ય સમય છે. બાળપણથી જ મેં ઈંગ્લેન્ડ માટે રમવાનું સ્વપ્ન જોયું હતું અને હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે તે સ્વપ્ન પૂર્ણ કરી શક્યો. ઈંગ્લેન્ડની જર્સી પહેરવી, મારા સાથી ખેલાડીઓ સાથે મેદાન શેર કરવું અને છેલ્લા 15 વર્ષમાં મેં જે સંબંધો બનાવ્યા છે તે મારા જીવનની સૌથી મોટી સિદ્ધિઓ છે.

વધુમાં તેણે કહ્યું હતું કે 2011માં ઓસ્ટ્રેલિયામાં મારું ડેબ્યૂ ગઈકાલ જેવું લાગે છે. બે વર્લ્ડ કપ જીતવું અને યાદગાર એશિઝ શ્રેણીનો ભાગ બનવું એ એવી વસ્તુ છે જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. આ યાદો અને ઉજવણીઓ મારા હૃદયમાં હંમેશા રહેશે.

વોક્સે તેના પરિવાર અને ચાહકો પ્રત્યે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “મારા માતા-પિતા, પત્ની એમી અને પુત્રીઓ લૈલા અને ઈવી માટે. તમારો પ્રેમ અને સમર્થન આ સફરની સૌથી મોટી તાકાત રહી છે. હું હંમેશા ઈંગ્લેન્ડના ચાહકો, ખાસ કરીને ‘બાર્મી આર્મી’ના જુસ્સા અને વિશ્વાસને યાદ રાખીશ. મારા કોચ, સાથી ખેલાડીઓ અને પડદા પાછળ કામ કરતા લોકોનું માર્ગદર્શન અને મિત્રતા અમૂલ્ય રહી છે. વોક્સે સ્પષ્ટ કર્યું કે તે કાઉન્ટી ક્રિકેટ અને ફ્રેન્ચાઇઝી લીગ રમવાનું ચાલુ રાખશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button