સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડ 387, ભારત 387

ખેલ બરાબરીનો અને હવે ખરાખરીનોઃ બે દિવસ બાકી, બ્રિટિશરોના બીજા દાવમાં વિના વિકેટે બે રન

લંડનઃ ભારતે અહીં ત્રીજી ટેસ્ટ (બપોરે 3.30 વાગ્યાથી લાઇવ)માં યજમાન ઇંગ્લૅન્ડ (England)ના પ્રથમ દાવના સ્કોરની બરાબરી કરી હતી અને યોગાનુયોગ એ જ સ્કોર પર છેલ્લી વિકેટ ગુમાવી હતી.

શુક્રવારે ઇંગ્લૅન્ડનો પહેલો દાવ 112.3 ઓવરમાં બનેલા 387 રનના સ્કોર પર પૂરો થયો હતો, જ્યારે શનિવારે ભારતે 119.2 ઓવરમાં 387 રન કર્યા હતા અને એ સ્કોર પર ક્રિસ વૉક્સના બૉલમાં જસપ્રીત બુમરાહ (0)ની વિકેટ પડ્યા બાદ ફરી એ જ સ્કોર પર જોફ્રા આર્ચરના બૉલમાં વૉશિંગ્ટન સુંદર (76 બૉલમાં 23 રન) આઉટ થતાં ભારતની ઇનિંગ્સ 387 રનના સ્કોર પર પૂરી થઈ હતી. ત્યાર બાદ ઇંગ્લૅન્ડના બીજા દાવમાં ફક્ત એક ઓવરની રમત થઈ હતી. રમતના અંત સુધીમાં યજમાન ટીમે વિના વિકેટે બે રન કર્યા હતા.

એક જ દાવમાં બન્ને હરીફ ટીમનો એકસમાન સ્કોર થયો હોય એવું જવલ્લે જ બનતું હોય છે. અગાઉ આવું આઠ વખત બન્યું હતું. આવો છેલ્લો કિસ્સો 2015માં બન્યો હતો જેમાં મૅક્લમના સુકાનમાં ન્યૂ ઝીલૅન્ડે 10/350 રન કર્યા બાદ ઍલસ્ટર કુકના નેતૃત્વમાં ઇંગ્લૅન્ડના પણ 10/350 રન થયા હતા. એક જ દાવમાં બે હરીફ ટીમના સમાન સ્કોરનો પ્રથમ બનાવ 1910ની સાલમાં બન્યો હતો.

કે. એલ. રાહુલ (177 બૉલમાં 100 રન), રિષભ પંત (112 બૉલમાં 74 રન), જાડેજા (131 બૉલમાં 72 રન), નીતીશ રેડ્ડી (91 બૉલમાં 30 રન) અને કરુણ નાયર (62 બૉલમાં 40 રન)ના મુખ્ય યોગદાનો સાથે ભારતનો દાવ 387 રન પર સમેટાતાં બન્નેમાંથી કોઈ પણ ટીમને સરસાઈ ન મળી અને હવે બરાબરીના ખેલ બાદ ખરાખરીનો ખેલ શરૂ થયો છે

મૅચમાં હજી બે દિવસ બાકી હોવાથી ડ્રૉ અથવા (ટી-20ના આજના જમાનામાં આક્રમક બૅટિંગ સ્ટાઇલને કારણે) રોમાંચક પરિણામની સંભાવના નકારી ન શકાય.
ક્રિસ વૉક્સે ત્રણ તેમ જ જોફ્રા તથા બેન સ્ટૉક્સે બે-બે વિકેટ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button