ભારતના સાત બોલરના આક્રમણ સામે ઇંગ્લૅન્ડના 165/9
ચેન્નઈઃ જૉસ બટલરના સુકાનમાં ઇંગ્લૅન્ડની ટીમે અહીં આજે ભારત સામેની બીજી ટી-20માં બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં નવ વિકેટે 165 રન બનાવ્યા હતા. ભારત વતી કુલ સાત બોલરે બોલિંગ કરી હતી જેમાં રવિ બિશ્નોઈને બાદ કરતા બીજા તમામ છ બોલરને એક કે બે વિકેટ મળી હતી.
એકંદરે ભારતીય બોલર્સના આક્રમણ સામે બ્રિટિશ બૅટર્સ ઝાંખા પડ્યા હતા. એક પણ બૅટર હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો. જૉસ બટલરના 45 રન ટીમમાં હાઇએસ્ટ હતા.
તેણે 30 બૉલની ટૂંકી ઇનિંગ્સમાં ત્રણ સિક્સર અને બે ફોર ફટકારી હતી. તેણે ખાસ કરીને મુખ્ય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહના ઉપરાઉપરી ત્રણ બૉલમાં 4, 6, 4 ફટકારીને ચેન્નઈનું એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ગજવી નાખ્યું હતું. જોકે અક્ષર પટેલે બટલરને તિલક વર્માના હાથમાં કૅચઆઉટ કરાયો હતો. બ્રાયડન કાર્સના 31 રન ટીમમાં સેક્નડ હાઇએસ્ટ હતા.
વાઇસ-કૅપ્ટન અક્ષર પટેલે બે વિકેટ અને પહેલી મૅચના પુરસ્કાર-વિજેતા વરુણ ચક્રવર્તીએ બે વિકેટ લીધી હતી.
આપણ વાંચો: ટી-20 વર્લ્ડમાં સિંઘ ઇઝ કિંગ
અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા, વૉશિંગ્ટન સુંદર અને અભિષેક શર્માએ એક-એક વિકેટ લીધી હતી.
આ મૅચમાં ઈજાગ્રસ્ત નીતીશ કુમાર રેડ્ડી તથા રિન્કુ સિંહના સ્થાને વૉશિંગ્ટન સુંદર અને ધ્રુવ જુરેલને ઇલેવનમાં સમાવવામાં આવ્યા છે. જુરેલ ઇલેવનમાં સામેલ કરાયો છે, પરંતુ વિકેટકીપિંગની જવાબદારી સંજુ સૅમસન સંભાળશે.
ઇંગ્લૅન્ડના કૅપ્ટન જૉસ બટલરે પણ ઇલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા હોવાની જાહેરાત કરી હતી. જૅકબ બેથેલ બીમાર હોવાથી તેના સ્થાને જૅમી સ્મિથને અને ગસ ઍટક્નિસનના સ્થાને બ્રાયડન કાર્સનો ઇલેવનમાં સમાવેશ કરાયો છે.
ભારતે પાંચ સિરીઝવાળી આ શ્રેણીની પ્રથમ મૅચ સાત વિકેટે જીતી લીધી હતી. અભિષેક શર્મા એમાં સ્ટાર બૅટર હતો, જ્યારે સ્પિનર વરુણ ચક્રવર્તીએ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી લીધો હતો.