ENG VS WI: બીજી ટી-20 મેચમાં ઇગ્લેન્ડ હાર્યું, સીરિઝમાં 2-0થી આગળ વેસ્ટ ઇન્ડિઝ
સેન્ટ જ્યોર્જઃ ગ્રેનાડા ખાતે રમાયેલી બીજી ટી-20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને 10 રને હરાવ્યું હતું. આ રીતે કેરેબિયન ટીમે 5 મેચની ટી-20 સીરિઝમાં 2-0થી આગળ થઈ ગઈ છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 7 વિકેટે 176 રન ફટકાર્યા હતા, જ્યારે તેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 166 રન જ કરી શકી હતી.
ઓપનર બ્રેન્ડન કિંગ વેસ્ટ ઈન્ડિઝની જીતનો હીરો રહ્યો હતો. બ્રેન્ડન કિંગે 52 બોલમાં 82 રન ફટકાર્યા હતા. આ સિવાય રોવમેન પોવેલે 28 બોલમાં 50 રનની આક્રમક ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ તરફથી સેમ કુરેને 32 બોલમાં 50 રન કર્યા હતા પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહોતો. સેમ કુરન સિવાય ફિલ સોલ્ટે 23 બોલમાં 25 રન કર્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝના 176 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલા ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી ન હતી. ટીમનો કેપ્ટન જોસ બટલર 5 રન કરીને આઉટ થયો હતો. જોકે, આ પછી ફિલ સોલ્ટ અને વિલ જેક્સ વચ્ચે સારી ભાગીદારી જોવા મળી હતી. લિયામ લિવિંગસ્ટોન, હેરી બ્રુક અને મોઈન અલી જેવા બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી અલ્ઝારી જોસેફે 3 વિકેટ ઝડપી હતી. અકીલ હુસૈનને 2 સફળતા મળી હતી. આ સિવાય જેસન હોલ્ડર અને ગુડાકેશ મોટેએ 1-1 વિકેટ લીધી હતી. હવે બંને ટીમો વચ્ચે શ્રેણીની ત્રીજી મેચ 10 ડિસેમ્બરે રમાશે.