ઇંગ્લૅન્ડ ફરી પાકિસ્તાની સ્પિનર્સની જાળમાં ફસાયું…
રાવલપિંડી: મુલતાનમાં ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં તમામ 20 વિકેટ લઈને બે સ્પિનર નોમાન અલી અને સાજિદ ખાને પાકિસ્તાનને વિજય અપાવીને સિરીઝ 1-1ની બરાબરીમાં લાવી આપી ત્યાર પછી હવે રાવલપિંડીમાં પણ નોમાન અને સાજિદ બેન સ્ટૉક્સની ટીમને ભારે પડી રહ્યા છે. હજી તો માંડ બે દિવસની રમત થઈ છે અને એમાં પોણા ભાગની મૅચ રમાઈ ચૂકી છે. સાજિદ ખાને મૅચમાં કુલ સાત વિકેટ અને નોમાને પાંચ વિકેટ લીધી છે.
આ પણ વાંચો : એક તો કાળઝાળ ગરમી અને એમાં પીવાનું પાણીયે નહીં, પ્રેક્ષકોનો તો પિત્તો જ ગયો!
શુક્રવારની બીજા દિવસની રમતને અંતે ઇંગ્લૅન્ડે બીજા દાવમાં 24 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાને 77 રનની જે લીડ લીધી હતી એ ઉતારવા માટે બ્રિટિશ ટીમે હજી બીજા 53 રન બનાવવાના છે.
પહેલા દાવમાં ઇંગ્લૅન્ડના 267 રનના જવાબમાં પાકિસ્તાને સાઉદ શકીલના 134 રનની મદદથી 344 રન બનાવ્યા હતા અને 77 રનની સરસાઈ લીધી હતી.
આ પણ વાંચો : આ ભારતીય સ્પિનરની અગાઉ ચાર ટેસ્ટમાં માત્ર છ વિકેટ, હવે એક જ દાવમાં કર્યા સાત શિકાર
ઇંગ્લૅન્ડે બીજા દાવમાં શુક્રવારે ઝૅક ક્રૉવ્લી, બેન ડકેટ અને ઑલી પૉપની વિકેટ ગુમાવી દીધી હતી. જૉ રૂટ પાંચ રને અને હૅરી બ્રૂક ત્રણ રને રમી રહ્યો હતો. ઇંગ્લૅન્ડને રૂટ-બ્રૂકની જોડી પરાજયથી બચાવશે તો એ ઇંગ્લૅન્ડની બહુ મોટી ઉપલબ્ધિ કહેવાશે.