ઇન્ટરનેશનલસ્પોર્ટસ

વર્લ્ડ ચૅમ્પિયન ગોલકીપરે જ્યારે ટીવી કૅમેરામૅનને લાફો ઝીંકી દીધો!

બૉગોટા (કોલમ્બિયા): એક ટીવી કૅમેરામૅને કહ્યું છે કે મંગળવારે કોલમ્બિયાએ વર્લ્ડ નંબર-વન અને 2022ના ફિફા વર્લ્ડ કપના ચૅમ્પિયન આર્જેન્ટિનાને 2-1થી હરાવ્યું ત્યાર બાદ આર્જેન્ટિનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝે તેને તમાચો મારી દીધો હતો.

આ પણ વાંચો : Football: હાર્ટ એટેક આવતા યુવા ફૂટબોલર મેદાનમાં ઢળી પડ્યો, ફૂટબોલ જગત શોકગ્રસ્ત

બે વર્ષ પહેલાના વર્લ્ડ કપમાં લિયોનેલ મેસીના સુકાનમાં આર્જેન્ટિનાની ટીમ ચૅમ્પિયન બની ત્યારે એ ટીમમાં માર્ટિનેઝ મુખ્ય ગોલકીપર હતો.

જૉની જૅક્સન નામના આ કૅમેરામૅને કોલમ્બિયાના પત્રકારોને કહ્યું, ‘મંગળવારની મૅચને અંતે રેફરીએ ફાઇનલ વ્હીસલ વગાડી ત્યાર બાદ હું મારા કૅમેરા સાથે માર્ટિનેઝ તરફ ગયો હતો. હું તેની નજીક પહોંચ્યો ત્યારે તે એક પ્લેયરને અભિનંદન આપી રહ્યો હતો. અચાનક જ માર્ટિનેઝે મારા કૅમેરાને હાથથી ફટકો માર્યો હતો જેમાં કૅમેરા નીચે પડી ગયો હતો. મારી ફૂટેજમાં એ ઘટના કેદ થઈ ગઈ હતી.’

જૅક્સને મીડિયામેનને વધુમાં કહ્યું, ‘માર્ટિનેઝે મને લાફો મારી દીધો હતો. મને તેના પર બહુ ગુસ્સો આવ્યો. જેમ તે પોતાનું કામ કરી રહ્યો હતો એમ હું પણ મારું કામ કરી રહ્યો હતો. તે રમ્યો અને હું મારા કૅમેરાથી શૂટિંગ કરી રહ્યો હતો.’

આ પણ વાંચો : આ દેશની ફૂટબૉલ ટીમ 20 વર્ષ પછી પહેલી વાર જીતી!

માર્ટિનેઝને સાથી ખેલાડીઓ તેમ જ પત્રકારો, ફોટોગ્રાફર્સ અને કૅમેરામેન દિબુ કહીને બોલાવે છે. જૅક્સને તેને મૅસેજ મોકલ્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે ‘દિબુ, માય બ્રધર. કેમ છે મજામાં? હું એ જ કૅમેરામૅન જૉની જૅક્સન છું જેને તેં કોલમ્બિયા સામેની મૅચ પછી મને તમાચો માર્યો હતો. ભાઇ, હું તને પૂછવા માગું છું કે બધુ બરાબર છેને? દરેકે જીવનમાં પરાજય જોવો જ પડતો હોય છે. હું જાણું છું, આ હાર તારા માટે ઘણી આકરી બની હશે, પણ તને મારી સલાહ છે કે આ પરાજય ભૂલીને ભવિષ્ય તરફ મીટ માંડજે.’

જૅક્સન એક કંપની વતી કૅમેરામૅન તરીકેનું કામ કરે છે અને એ કંપની વિવિધ ચૅનલોને ફૂટેજ તથા તસવીરો પૂરા પાડે છે.
જૅક્સનને તમાચો મારવાની ઘટનાને કોલમ્બિયાના સ્પોર્ટ્સ પત્રકારો અને ફોટોગ્રાફર્સ, કૅમેરામેનના સંગઠને હળવાશથી નથી લીધી. તેઓ ઇચ્છે છે કે ફિફા આ ગેરવર્તન બદલ માર્ટિનેઝને એક કે વધુ મૅચમાંથી સસ્પેન્ડ કરે. સંગઠનના પ્રમુખ ફૅઇવર હૉયોસ હર્નાન્ડેઝે એક નિવેદનમાં કહ્યું છે કે ‘આર્જેન્ટિનાના ગોલકીપર માર્ટિનેઝે અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર તરાપ મારી છે. માર્ટિનેઝનું આવું વર્તન બતાવે છે કે નવી પેઢીના લોકો માટે તે રોલ મૉડેલ ન કહેવાય. અમે ઇચ્છીએ છીએ કે ફિફા તેના રમવા પર પ્રતિબંધ લાગુ કરે.’

આ પણ વાંચો : રોનાલ્ડોનો વર્લ્ડ રેકોર્ડ, પ્રથમ ફૂટબોલર બન્યો જેણે…

2026ના ફિફા વર્લ્ડ કપ માટેના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં આર્જેન્ટિના 18 પૉઇન્ટ સાથે મોખરે છે અને કોલમ્બિયા 16 પૉઇન્ટ સાથે બીજા નંબરે છે. જોકે મંગળવારે આર્જેન્ટિનાએ કોલમ્બિયા સામે નામોશી જોવી પડી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button