શાંત સ્વભાવના ટેનિસ ખેલાડી અલ્કારાઝે આ વળી શું કરી નાખ્યું?
સિનસિનાટી: મેન્સ ટેનિસના વર્લ્ડ નંબર-થ્રી તેમ જ વિમ્બલ્ડન તથા ફ્રેન્ચ ઓપનના ડિફેન્ડિંગ ચૅમ્પિયન સ્પેનના કાર્લોસ અલ્કારાઝે વરસાદના વિઘ્ન બાદ શુક્રવારે રમાયેલી મૅચ દરમ્યાન ગુસ્સામાં આવીને વારંવાર રૅકેટ પછાડીને તોડી નાખ્યું હતું જે બદલ તેની ખૂબ ટીકા થઈ રહી છે.
અલ્કારાઝ શાંત સ્વભાવનો મનાય છે, પરંતુ સિનસિનાટી ઓપનમાં પોતાનાથી 31 રૅન્ક નીચા સ્વિટ્ઝરલૅન્ડના ગાએલ મૉન્ફિલ્સ સામેના મુકાબલામાં હારી રહ્યો હતો ત્યારે ગુસ્સાને કાબૂમાં નહોતો રાખી શક્યો. 21 વર્ષના અલ્કારાઝનો આ મૅચમાં 37 વર્ષના મૉન્ફિલ્સ સામે 6-4, 5-7, 4-6થી પરાજય થયો હતો. અલ્કારાઝે પછીથી કહ્યું કે ‘મારી કરીઅરની આ સૌથી ખરાબ મૅચ હતી.’
હજી બે અઠવાડિયા પહેલાં પૅરિસ ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર અલ્કારાઝ ગુરુવારે ટાઇબ્રેકરમાં 1-3થી પાછળ હતો અને વરસાદને લીધે ત્યારે મૅચ અટકાવાઈ હતી. તે એવું માનતો હતો કે એ સેટ ફરીથી રમાશે, પરંતુ એવું નહોતું થયું. શુક્રવારે તે એક પછી એક ગેમ હારતો ગયો અને છેલ્લા બે સેટમાં રસાકસી બાદ પરાજિત થયો હતો.
પૅરિસ ઑલિમ્પિક્સની ફાઇનલમાં અલ્કારાઝનો 37 વર્ષના નોવાક જૉકોવિચ સામે પરાજય થયો હતો.
ઑલિમ્પિક્સ પછી પહેલી વાર રમી રહેલા અલ્કારાઝે કહ્યું, ‘હું હંમેશાં મૅચ દરમ્યાન મારી લાગણીઓને, સંવેદનાઓને કાબૂમાં રાખતો હોઉં છું. આવું (રૅકેટ તોડવાનું ગેરવર્તન) પહેલી જ વાર બન્યું. મને મારા પર જ ગુસ્સો આવ્યો હતો. એક ક્ષણ મને થયું કે ટેનિસ કોર્ટ છોડીને જતો રહું. મેં ખૂબ પ્રૅક્ટિસ કરી હતી અને મૅચની શરૂઆતથી સારું રમી રહ્યો હતો, પણ કોણ જાણે કેમ હું હારી ગયો. જોકે હું આ બધુ ભૂલીને ન્યૂ યૉર્ક જઈને યુએસ ઓપનની તૈયારીમાં વ્યસ્ત થઈ જવા મક્કમ છું.’
ન્યૂ યૉર્કમાં 26મી ઑગસ્ટે વર્ષની છેલ્લી ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધા યુએસ ઓપન શરૂ થશે.
રૅકેટ તોડવાના અલ્કારાઝના ગેરવર્તનની સોશિયલ મીડિયામાં ટેનિસચાહકોએ જેમાં ખાસ કરીને કેટલાક ટેનિસ ખેલાડીઓ અને કૉમેન્ટેટર્સે અલ્કારાઝની ટીકા કરી હતી.
દરમ્યાન સિનસિનાટી ઓપનના મહિલા વર્ગમાં વર્લ્ડ નંબર-વન ઇગા સ્વૉન્ટેક માર્ટા કૉસ્ત્યૂકને 6-2, 6-2થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી હતી.