ઈલોન મસ્ક અને સુંદર પિચાઈ કેમ બુમરાહ પર આફરીન થયા?
નવી દિલ્હી: અમદાવાદમાં રહેતો જસપ્રીત બુમરાહ અપ્રતિમ અને અસાધારણ બોલિંગને કારણે ટેસ્ટમાં વર્લ્ડ નંબર-વન તો છે જ, મંગળવારે તેણે આકાશદીપ સાથેની જોડીમાં ભારતને ફોલો-ઑનથી બચાવીને બૅટિંગમાં પણ પોતાની કાબેલિયત ફરી એકવાર પુરવાર કરી હતી. તેનામાં રમૂજ વૃત્તિ પણ સારી છે એ તેણે એ દિવસે પત્રકાર પરિષદમાં સાબિત કર્યું હતું. બુમરાહના જવાબ પર ઈલોન મસ્ક અને સુંદર પિચાઈ પણ ખુશ થઈ ગયા હતા.
ભારતનો ટૉપ બૅટિંગ ઑર્ડર ફરી એક વાર બ્રિસબેન ટેસ્ટના પ્રથમ દાવમાં ફ્લૉપ ગયો.
કેએલ રાહુલ (84 રન), રવીન્દ્ર જાડેજા (77 રન), નીતીશ રેડ્ડી (16 રન), બુમરાહ (અણનમ 10 રન) અને આકાશ દીપ (31 રન)ને બાદ કરતા બીજો કોઈ પણ બૅટર લાંબી ઇનિંગ્સ નહોતો રમી શક્યો.
પત્રકાર પરિષદમાં એક જર્નલિસ્ટે બુમરાહને પૂછ્યું કે ‘તમે ભારતના બૅટિંગ પર્ફોર્મન્સ વિશે શું કહેશો? ભલે આ વિષયમાં તમને સવાલ પૂછવો ઠીક ન કહેવાય, પણ ટીમની પરિસ્થિતિ વિશે તમારું શું માનવું છે?’
બુમરાહે મંગળવારે આકાશ દીપ સાથેની જોડીમાં છેલ્લી વિકેટ સાચવી રાખીને અણનમ 10 રન બનાવીને ભારતને ફૉલો-ઓનની નામોશીથી બચાવી લીધું હતું. એ પત્રકારનો ઈશારો બુમરાહના બેટિંગ કૌશલ્ય વિશે પણ હતો. બીજી રીતે કહીએ તો એ પત્રકારે બુમરાહની બૅટિંગ કુશળતા પર આડકતરી રીતે શંકા પણ વ્યક્ત કરી હતી.
બુમરાહે જવાબમાં રમૂજ ફેલાવતા કહ્યું કે, ‘તમે બહુ સારો સવાલ પૂછ્યો. જોકે તમે તો મારી બૅટિંગ તાકાત પર જ સવાલ ઉઠાવી રહ્યા છો. તમે ગૂગલ સર્ચ કરો અને ચેક કરો કે ટેસ્ટ ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ રન કોણે બનાવ્યા છે.’
બુમરાહના જવાબથી બધા હસી પડ્યા હતા અને બુમરાહે કહ્યું કે મજાક એના સ્થાને છે, પરંતુ ટીમના બેટિંગ પર્ફોર્મન્સનો વિષય સાવ જુદો છે.’
ઉલ્લેખનીય છે કે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ જસપ્રીત બુમરાહવાળી વર્ષ 2022ની એક ઓવરના નામે જ છે. ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં બુમરાહના 29 રન સહિત કુલ 35 રન બન્યા હતા. એ ઓવરના રનની વિગત આ મુજબ છે: 4, 5 (વાઇડ), 7 (6+1 નો બૉલ), 4, 4, 4, 6, 1).
Also Read – અશ્વિનની ઓચિંતી નિવૃત્તિ વિશે જાણો કોણે શું કહ્યું…
મંગળવારે ભારતની 68મી ઓવર પૅટ કમિન્સે કરી હતી જેના પહેલા જ બૉલમાં બુમરાહે સિક્સર ફટકારી હતી.
ગૂગલના ચીફ એક્ઝિકયૂટિવ ઓફિસર (સીઈઓ) સુંદર પિચાઈ ક્રિકેટ-ફેન છે. તેમણે એક્સ (અગાઉનું નામ ટ્વિટર) પર પ્રતિક્રિયામાં જણાવ્યું કે ‘ મેં ગૂગલ પર ચેક કર્યું. જે બૅટર પૅટ કમિન્સના બૉલમાં સિકસર ફટકારી શકે તે બૅટિંગ કેવી રીતે કરવી એ તો સારી રીતે જાણતો જ હોય. વેલડન જસપ્રીત. તેં અને આકાશ દીપે સાથે મળીને ભારતને ફૉલો-ઑનની નામોશીમાંથી બચાવી લીધું.’
ટવિટરના માલિક ઈલોન મસ્કે માત્ર બાર મિનિટની અંદર સુંદર પિચાઈની એક્સ પરની પોસ્ટને ‘નાઇસ’ કહીને બિરદાવી હતી.