એલીસ પેરીને છ મૅચમાં વિકેટ ન મળી, સાતમીમાં છ વિકેટનો રેકૉર્ડ રચીને બૅન્ગલોરને પ્લે-ઑફમાં પહોંચાડ્યું
નવી દિલ્હી: વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં મંગળવાર સુધી એક પણ મહિલા બોલરે મૅચમાં છ વિકેટ નહોતી લીધી, પણ એ દિવસે એવી બોલરે માત્ર 15 રનમાં છ વિકેટનો તરખાટ મચાવ્યો જેને એ પહેલાંની છ મૅચમાં એકેય વિકેટ નહોતી મળી.
ઑસ્ટ્રેલિયાની 33 વર્ષીય પેસ બોલર એલીસ પેરીએ મંગળવારે 4-0-15-6ની મૅજિક ઍનેલિસિસ સાથે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ને ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) સામે રોમાંચક વિજય અપાવ્યો હતો. પછીથી 38 બૉલમાં એક સિક્સર અને પાંચ ફોરની મદદથી અણનમ 40 રન બનાવ્યા હતા અને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી હતી.
2023માં દિલ્હી કૅપિટલ્સની મૅરિઝેન કૅપનો 5/15નો ડબ્લ્યૂપીએલ રેકૉર્ડ હતો જે પેરીએ 6/15ના તરખાટ સાથે તોડી નાખ્યો હતો. આરસીબીની જ ભારતીય બોલર આશા શોભના 5/22) ત્રીજા નંબરે છે.
મંગળવારે મુંબઈની ટીમ 113 રન બનાવી શકી હતી. બૅન્ગલોરે જવાબમાં 15 ઓવરમાં ત્રણ વિકેટે 115 રન બનાવીને પ્લે-ઑફમાં સ્થાન પાક્કુ કરી લીધું હતું. એલીસ પેરી (40 અણનમ)ની સાથે વિકેટકીપર રિચા ઘોષ 36 રને અણનમ હતી. તેણે એ 36 રન 28 બૉલમાં બે સિક્સર અને ચાર ફોરની મદદથી બનાવ્યા હતા. મુંબઈની ટીમ પ્લે-ઑફમાં પહોંચી ગઈ છે.