એલીસ પેરીએ માર્યો છગ્ગો, બાઉન્ડરીની બહાર ઊભેલી કારનો કાચ તૂટ્યો
બેન્ગલૂરુ: અહીં સોમવારે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં યુપી વૉરિયર્ઝને ૨૩ રનથી હરાવનાર રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની ટીમની કૅપ્ટન સ્મૃતિ મંધાના ત્રણ છગ્ગા અને દસ ચોક્કાની મદદથી ૮૦ રન બનાવીને છવાઈ ગઈ હતી અને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર પણ જીતી હતી, પરંતુ તેની જ ટીમની ઑસ્ટ્રેલિયન બૅટર અને ૫૮ રન બનાવનાર એલીસ પેરી તેના કરતાં વધુ છવાઈ ગઈ હતી. કારણ એ હતું કે પેરીના ચારમાંથી એક છગ્ગામાં બૉલ બાઉન્ડરી લાઇનની બહાર ઊભેલી કારના કાચ પર પડ્યો હતો જેમાં કાચના ભુક્કેભુક્કા થઈ ગયા હતા. એ ઘટનાની મૅચ પછી પણ ખૂબ ચર્ચા થઈ હતી અને કારને જોઈને લોકો હસતા હતા.બૅન્ગલોરે ત્રણ વિકેટે ૧૯૮ રન બનાવ્યા હતા જેના જવાબમાં યુપીની ટીમ આઠ વિકેટે ૧૭૫ રન બનાવી શકી હતી. કૅપ્ટન અલીઝા હીલીએ પંચાવન રન બનાવ્યા હતા જે પાણીમાં ગયા હતા.
બૅન્ગલોરની સૉફી ડિવાઇન, સૉફી મૉલિન્યૉક્સ, જ્યોર્જિયા વેરહૅમ અને આશા શોભનાએ બે-બે વિકેટ લીધી હતી. જોકે રેણુકા સિંહ અને એક્તા બિશ્તને વિકેટ નહોતી મળી.
બૅન્ગલોરની ટીમ પાંચમાંથી ત્રણ મૅચ જીતી છે. ગયા વર્ષે આ ટીમનો બહુ ખરાબ પર્ફોર્મન્સ હતો. આ વખતે દિલ્હી પ્રથમ સ્થાને અને મુંબઈ ઇન્ડિયન્સ બીજા નંબરે છે.ગઈ કાલે રાત્રે દિલ્હી સામે ૧૯૩ રનનો લક્ષ્યાંક મેળવવા જઈ રહેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ૫૦ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દેતાં મુસીબતમાં મુકાઈ ગઈ હતી.