ભારતીય મૂળના આઠ વર્ષના ટેણિયાએ ચેસમાં 37 વર્ષના ગ્રૅન્ડમાસ્ટરને હરાવ્યો, રેકૉર્ડ તોડ્યો
અશ્વથની વિશ્ર્વમાં 37,338મી રૅન્ક છે!
સિંગાપોર: ચેસમાં નાની ઉંમરના ભારતીય ખેલાડીઓએ મોટા-મોટા સૂરમાઓને હરાવ્યા હોય એવા છેલ્લા થોડા મહિનાઓમાં ઘણા કિસ્સા બની ગયા છે. ગયા વર્ષે 16 વર્ષની ઉંમરે એસ. પ્રજ્ઞાનાનંદે ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન અને હાલના નંબર-વન નોર્વેના મૅગ્નસ કાર્લસનને હરાવીને સનસનાટી મચાવી હતી. આ વર્ષે પણ ભારતના બીજા ટીનેજર ડી. ગુકેશે કાર્લસનને પરાસ્ત કર્યો ત્યાર પછી હાલના વર્લ્ડ ચૅમ્પિયન ચીનના ડિન્ગ લિરેનને પણ પરાજિત કર્યો હતો. રવિવારે તો કમાલ જ થઈ ગઈ. સિંગાપોરના ફક્ત આઠ વર્ષની ઉંમરના અશ્વથ કૌશિકે પોલૅન્ડના ગ્રૅન્ડમાસ્ટર જૅસેક સ્ટૉપાને હરાવી દીધો હતો. આઠ વર્ષનો આ બાળક ભારતીય મૂળનો છે. તેણે સ્વિટ્ઝરલૅન્ડની બુર્ગડૉર્ફર સ્ટૅડથૉસ ઓપન નામની ટૂર્નામેન્ટમાં આ રોમક પર્ફોર્મન્સથી સૌ કોઈને ચોંકાવી દીધા હતા.
સ્ટૉપા 37 વર્ષનો છે અને અશ્વથથી પાંચગણો મોટો છે. અશ્વથે નવો રેકૉર્ડ કર્યો છે. તેની પહેલાં સર્બિયાના લીઓનિદ ઇવાનોવિચનો રેકૉર્ડ હતો. અશ્વથથી ઉંમરમાં થોડા મહિના મોટા ઇવાનોવિચે થોડા અઠવાડિયા અગાઉ બલ્ગેરિયાના 60 વર્ષની ઉંમરના ગ્રૅન્ડમાસ્ટર મિલ્કો પૉપચેવને બેલગ્રેડ ઓપનમાં હરાવી દીધો હતો. જોકે ઇવાનોવિચથી અશ્વથ નાનો છે અને તેણે મેળવેલી સિદ્ધિ હવે નવો વિશ્ર્વવિક્રમ છે.
ચેસની વિશ્ર્વસંસ્થા ફિડેમાં અશ્વથની વિશ્ર્વમાં 37,338મી રૅન્ક છે. તે ભારતનો નાગરિક છે અને 2017માં પરિવાર સાથે સિંગાપોરમાં સ્થાયી થયો હતો. તેણે 2022માં સનસનાટી મચાવી હતી. ત્યારે તે ઈસ્ટર્ન એશિયા ચૅમ્પિયનશિપમાં અન્ડર-8 કૅટેગરીમાં ચેસના ત્રણેય વૅરિએશન્સ (ક્લાસિક, રૅપિડ, બ્લિટ્ઝ)માં ટ્રિપલ ચૅમ્પિયન બન્યો હતો.
સિંગાપોર ચેસ ફેડરેશનના સીઇઓ કેવિન ગોહે અશ્વથની સિદ્ધિને બિરદાવતા કહ્યું હતું કે ‘તેનામાં નૅચરલ ટૅલન્ટ છે. તે ચેસમાં હવે કેટલો આગળ વધશે એ જોવું રહ્યું, કારણકે બાળકો જેમ મોટા થાય એમ તેમની રુચિમાં ફેરફાર આવતો હોય છે. જોકે આશા રાખીએ કે અશ્વથ ચેસમાં ખૂબ આગળ વધે.’
અશ્વથના પપ્પા શ્રીરામ કૌશિકે પુત્રના વિક્રમ બદલ તેના પ્રશિક્ષકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે ‘મારા જીવનની સૌથી વધુ ગર્વ અપાવતી પળોમાંની આ એક પળ છે.’