બૉક્સિંગમાં ભારતનો સપાટોઃ છ મહિલા સહિત આઠ બૉક્સર બન્યા વર્લ્ડ ચૅમ્પિયન

છમાંથી પાંચ મહિલા બૉક્સર 5-0થી જીતી
ગ્રેટર નોઇડાઃ અહીં વર્લ્ડ બૉક્સિંગ (boxing)માં ભારતની છ મહિલા મુક્કાબાજ પોતાના વર્ગમાં ફાઇનલ જીતીને વર્લ્ડ ચૅમ્પિયન બની છે. એમાં નિખત ઝરીન (51 કિલો વર્ગ), મિનાક્ષી હૂડા (48 કિલો), પ્રીતિ પવાર (54 કિલો), અરુંધતી ચૌધરી (70 કિલો), નૂપુર શેઓરન (80+ કિલો) તથા જૈસમીન લંબોરિયા (57 કિલો)નો સમાવેશ છે. આ તમામ બૉક્સરોએ વિશ્વ વિજેતા બનીને દેશનું નામ રોશન કર્યું છે. તેમના ઉપરાંત બે પુરુષ બૉક્સર સચિન સિવાચ અને હિતેશ ગુલિયા પણ વિશ્વ વિજેતા બન્યા છે.

ભારત (India)ની આ તમામ છ મહિલા તથા બે પુરુષ બૉક્સર પોતપોતાના વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યા અને ભારત માટે ગુરુવાર, 20મી નવેમ્બરનો દિવસ યાદગાર અને ઐતિહાસિક બનાવ્યો હતો.

ગે્રટર નોઇડાના વિજય સિંહ પથિક સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં ભારતની છ મહિલા અને બે પુરુષ બૉક્સરે તિરંગો લહેરાવ્યો છે. તેમણે રોમાંચક ફાઇનલમાં આસાન જીત મેળવી હતી.

ફાઇનલમાં મિનાક્ષી હૂડાએ ઉઝબેકિસ્તાનની ફૉજિલોવા ફારજોનાને 5-0થી પરાસ્ત કરી હતી. પ્રીતિ પવારે નિર્ણાયક મુકાબલામાં ઇટલીની સિરીન ચારાબીને 5-0થી પરાજિત કરી હતી. અરુંધતી ચૌધરીએ ફાઇનલમાં ઉઝબેકિસ્તાનની જૉકિરોવા અજિજાને 5-0થી હરાવી હતી. નૂપુરે પણ ઉઝબેકિસ્તાનની સૉટિમ્બોએવા ઑલ્ટિનૉયને 5-0થી પરાજિત કરી હતી, જ્યારે નિખત ઝરીને તાઇપેઇની જુઆન યી ગુઓને 5-0થી હરાવી દીધી હતી. નિખત પાંચમી વાર વર્લ્ડ ચૅમ્પિયન બની છે. જૈસમીન લંબોરિયાનો 57 કિલો વર્ગમાં તાઇપેઇની વુ શી સામે 4-1થી વિજય થયો હતો. પુરુષોમાં સચિન સિવાચે 60 કિલો વર્ગમાં પૅરિસ ઑલિમ્પિક્સના સિલ્વર મેડલિસ્ટ કીર્ગિઝસ્તાનના મુનારબેક ઉલુને અને હિતેશ ગુલિયાએ 70 કિલો વર્ગમાં કઝાખસ્તાનના મુર્સલ નુર્બેકને પરાજિત કરીને વર્લ્ડ ચૅમ્પિયનપદ મેળવી લીધું હતું.



