ટેસ્ટ ટીમનો આ ખેલાડી ડોમેસ્ટિકમાં કૅપ્ટનઃ આઇપીએલના બે સુકાની તેના નેતૃત્વમાં રમશે…
પશ્ચિમ ઝોનની ટીમમાં ગુજરાતના સાત, સૌરાષ્ટ્ર-બરોડાના બે-બે ખેલાડીઃ પુજારા-રહાણેની બાદબાકી

મુંબઈઃ ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુર (SHARDUL THAKUR)નો ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં ડંકો નથી વાગ્યો, પરંતુ તેને ડોમેસ્ટિક ક્રિકેટમાં વેસ્ટ ઝોન ટીમની કૅપ્ટન્સી મળી છે. 28મી સપ્ટેમ્બરે દુલીપ ટ્રોફી શરૂ થઈ રહી છે જેમાં વેસ્ટ ઝોન (West Zone)ની ટીમનું સુકાન તેને સોંપવામાં આવ્યું છે. તેને 15 ખેલાડીઓની જે ટીમ સોંપાઈ છે એમાં આઇપીએલના બે સુકાનીઓ શ્રેયસ ઐયર અને ઋતુરાજ ગાયકવાડનો પણ સમાવેશ છે.
આઇપીએલમાં શ્રેયસ ઐયરના સુકાનમાં પંજાબ કિંગ્સની ટીમ તાજેતરમાં રનર-અપ રહી હતી, જ્યારે ઋતુરાજ ગાયકવાડે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)નું સુકાન સંભાળ્યું હતું, પરંતુ ઈજાને લીધે તે (ગાયકવાડ) સ્પર્ધાની બહાર થઈ ગયો હતો. વેસ્ટ ઝોનની ટીમમાં ચેતેશ્વર પુજારા તથા અજિંક્ય રહાણે જેવા પીઢ ખેલાડીઓનો સમાવેશ નથી કરાયો.
Shardul Thakur will spearhead a strong West Zone side for the upcoming Duleep Trophy 2025.
— Cricket.com (@weRcricket) August 1, 2025
Indian veterans Cheteshwar Pujara and Ajinkya Rahane have been overlooked. pic.twitter.com/YklwEJDVyG
મહાન ક્રિકેટર દુલીપસિંહજીના નામે રમાતી દુલીપ ટ્રોફી (Duleep trophy) માટેની વેસ્ટ ઝોનની ટીમમાં ટેસ્ટ-ઓપનર યશસ્વી જયસ્વાલ તેમ જ બૅટ્સમૅન સરફરાઝ ખાન પણ સામેલ છે. છ ટીમ વચ્ચેની આ સ્પર્ધા આ વખતથી ફરી ઝોનલ સિસ્ટમને આધારે રમાશે.
પશ્ચિમ ઝોનની ટીમમાં સૌરાષ્ટ્રના વિકેટકીપર હાર્વિક દેસાઈ તેમ જ ગુજરાતના જ આર્ય દેસાઈ, જયમીત પટેલ, મનન હિંગરાજિયા, અર્ઝાન નાગવાસવાલા અને સૌરાષ્ટ્રના ધર્મેન્દ્રસિંહ જાડેજાનો પણ સમાવેશ છે.
છેલ્લે 2023-’24માં આ સ્પર્ધા ઝોનલ સિસ્ટમ પર આધારિત હતી ત્યારે સાઉથ ઝોને ટાઇટલ જીતી લીધું હતું. ત્યાર બાદ આ સ્પર્ધામાં ઇન્ડિયા એ, ઇન્ડિયા બી, ઇન્ડિયા સી અને ઇન્ડિયા ડી ટીમે ભાગ લીધો હતો. આ વખતે સાઉથ ઝોનની ટીમનું સુકાન તિલક વર્માને સોંપાયું છે. તેની ટીમમાં દેવદત્ત પડિક્કલ, આર. સાઇ કિશોર પણ સામેલ છે.
પશ્ચિમ ઝોનની ટીમ
શાર્દુલ ઠાકુર (કૅપ્ટન, મુંબઈ), યશસ્વી જયસ્વાલ (મુંબઈ), આર્ય દેસાઈ (ગુજરાત), હાર્વિક દેસાઈ (વિકેટકીપર, સૌરાષ્ટ્ર), શ્રેયસ ઐયર (મુંબઈ), સરફરાઝ ખાન (મુંબઈ), ઋતુરાજ ગાયકવાડ (મહારાષ્ટ્ર), જયમીત પટેલ (ગુજરાત), મનન હિંગરાજિયા (ગુજરાત), સૌરભ નવલે (વિકેટકીપર, મહારાષ્ટ્ર), શમ્સ મુલાની (મુંબઈ), તનુષ કોટિયન (મુંબઈ), ધર્મેન્દ્રસિંહ જાડેજા (સૌરાષ્ટ્ર), તુષાર દેશપાંડે (મુંબઈ) અને અર્ઝાન નાગવાસવાલા (ગુજરાત).
સ્ટૅન્ડ-બાય પ્લેયર્સઃ મહેશ પીઠિયા (બરોડા), શિવાલિક શર્મા (બરોડા), મુકેશ ચૌધરી (મહારાષ્ટ્ર), સિદ્ધાર્થ દેસાઈ (ગુજરાત), ચિંતન ગજા (ગુજરાત), મુશીર ખાન (મુંબઈ) અને ઉર્વિલ પટેલ (ગુજરાત).
આ પણ વાંચો…ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના ચીફ ભારત-ઇંગ્લૅન્ડ સિરીઝની ઉગ્રતાથી કેમ બહુ ખુશ છે?