દિલીપ ટ્રોફી પહેલા વિવાદ; આ કારણે BCCIએ સાઉથ ઝોને ઠપકાર લગાવી

મુંબઈ: દુલીપ ટ્રોફીની નવી સિઝન 28 ઓગસ્ટથી શરુ થવાની છે, એ પહેલા આ ટુર્નામેન્ટ વિવાદમાં ઘેરાઈ છે. ગત મહીને સાઉથ ઝોને તેમની ટીમની જાહેરાત કરી હતી, જેમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં રમતા ખેલાડીઓને બાકાત રાખવામાં આવ્યા હતાં, હવે આ મામલે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડીયા(BCCI)એ સાઉથ ઝોનને ફટકાર લગાવી છે.
સાઉથ ઝોને 27 જુલાઈના રોજ જાહેર કરેલી ટીમમાં કે એલ રાહુલ,મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા અને સાઈ સુદર્શન જેવા ભારતીય ક્રિકેટ ટીમમાં રમતા ખેલાડીઓને સ્થાન આપ્યું ન હતું. BCCI એ આ ખેલાડીઓને બાકાત રાખવા અંગે નારાજગી વ્યક્ત કરી છે. બોર્ડે તમામ રાજ્ય સંગઠનોને સત્તાવાર રીતે પત્ર લખીને ડોમેસ્ટિક સીઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા ખેલાડીઓની પસંદગીને પ્રાથમિકતા આપવા નિર્દેશ આપ્યા છે.
એક અહેવાલ મુજબ BCCIના ક્રિકેટ ઓપરેશન્સના જનરલ મેનેજર એબે કુરુવિલાએ ગયા અઠવાડિયે ઝોનલ કન્વીનરો અને સ્ટેટ યુનિટ્સને એક ઇમેઇલ મોકલ્યો હતો, જેમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કુરુવિલાએ ઈમેઈલમાં જણાવ્યું કે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવા ઉપલબ્ધ તમામ ઇન્ટરનેશનલ ખેલાડીઓને ટીમમાં પ્રાથમિકતા આપવી, જેથી દુલીપ ટ્રોફીની પ્રતિષ્ઠા અને સ્પર્ધાત્મક ધોરણ જળવાઈ રહે.
નોંધનીય છે કે BCCIએ ઇન્ટરનેશનલ ક્રિકેટરોને ફરજીયાત ડોમેસ્ટિક ક્રિકેટ રમવા જણાવ્યું હતું. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ કરતાં IPLને પ્રાથમિકતા આપતા ખેલાડીઓ સામે BCCI અગાઉ ચેતવણી આપી ચુક્યું છે.
નોંધનીય છે કે સાઉથ ઝોને પહેલાથી જ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે, હવે BCCIના નિર્દેશો બાદ ખેલાડીઓની યાદીમાં સુધારો કરવામાં આવશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. તિલક વર્માને દક્ષિણ ઝોનની ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
કેટલાક રાજ્યના ક્રિકેટ બોર્ડે અગાઉ એવી દલીલ કરી હતી કે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનો ઝોનલ ટીમોમાં આપમેળે સમાવેશ થવાથી રણજી ટ્રોફીમાં સતત સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને તક નથી મળી રહી.
આ પણ વાંચો…BCCIએ અજીત અગરકર પર ફરી વિશ્વાસ મુક્યો; ચીફ સિલેક્ટર તરીકે તેમનો કાર્યકાળ લંબાવ્યો