
બેંગલૂરુઃ ચાર દિવસીય દુલીપ ટ્રોફી (Duleep Trophy) સેમિ ફાઇનલ (Semi Final)માં નોર્થ ઝોન સામે શુક્રવારે બીજા દિવસે સાઉથ ઝોને પહેલા દાવમાં 536 રનનો ઢગલો કરીને ફાઇનલ માટેનો દાવો મજબૂત કર્યો હતો, પરંતુ એના ઓપનર નારાયણ જગદીશન (197 રન, 352 બૉલ, બે સિક્સર, 16 ફોર)એ રનઆઉટમાં વિકેટ ગુમાવી દીધી હતી અને તે ફક્ત ત્રણ રન માટે ડબલ સેન્ચુરી ચૂકી ગયો હતો. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારી ચૂકેલા જગદીશનને નોર્થ ઝોનના લેફ્ટ-આર્મ સ્પિનર નિશાંત સિંધુ (47.2-6-125-5)એ રનઆઉટ કર્યો હતો.
સાઉથ ઝોનના 536 રનમાં બીજા ઓપનર તન્મય અગરવાલના 43 રન ઉપરાંત ત્રણ પ્લેયરની હાફ સેન્ચુરી સામેલ હતીઃ દેવદત્ત પડિક્કલ (57 રન), રિકી ભુઈ (54 રન) અને તન્મય ત્યાગરાજન (58 રન). નોર્થ ઝોનના સિંધુની પાંચ વિકેટ ઉપરાંત જાણીતા પેસ બોલર અંશુલ કંબોજની બે વિકેટ છતાં સાઉથ ઝોનની ટીમ સ્કોર 500-પ્લસનો સ્કોર નોંધાવી શકી હતી.
નોર્થ ઝોન (North Zone) પાસે હવે પ્રથમ દાવની સરસાઈને આધારે ફાઇનલમાં પહોંચવા માટે સાઉથ ઝોનથી એક રન વધુ એટલે કે 537 રન કરવા બે દિવસનો સમય છે.

બીજી સેમિ ફાઇનલમાં વેસ્ટ ઝોનનો ઋતુરાજ ગાયકવાડ (184 રન, 206 બૉલ, એક સિક્સર, પચીસ ફોર) ગુરુવારે ડબલ સેન્ચુરીથી વંચિત રહ્યો ત્યાર બાદ તનુષ કોટિયન (76 રન, 166 બૉલ, છ ફોર) ઉપરાંત કૅપ્ટન શાર્દુલ ઠાકુરે (64 રન, 98 બૉલ, એક સિક્સર, સાત ફોર) હાફ સેન્ચુરીથી ટીમના સ્કોરને 400-પ્લસ સુધી પહોંચાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઝોનની ટીમ 438 રનના સ્કોર પર આઉટ થયા બાદ સેન્ટ્રલ ઝોનને શુક્રવારના બીજા દિવસે સન્માનજનક સ્થિતિ અપાવી હતી. રમતના અંત સુધીમાં સેન્ટ્રલ ઝોનનો સ્કોર બે વિકેટે 229 રન હતો અને પ્રથમ દાવમાં સરસાઈ મેળવવા હજી બીજા 210 રન કરવાના બાકી છે. સેન્ટ્રલ ઝોનને પણ ઓપનર ડેનિશ માલેવાર (76 રન, 136 બૉલ, એક સિક્સર, બાર ફોર)ની ઇનિંગ્સે મુશ્કેલીમાંથી ઉગારી હતી. રમતને અંતે કૅપ્ટન અને આરસીબીનો ચૅમ્પિયન સુકાની રજત પાટીદાર 47 રને અને શુભમ શર્મા 60 રને રમી રહ્યા હતા. વેસ્ટ ઝોન વતી અર્ઝાન નાગવાસવાલા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ એક-એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો…દુલીપ ટ્રોફીમાં સેન્ટ્રલ-વેસ્ટ અને સાઉથ-નોર્થ વચ્ચે સેમિ ફાઇનલ