વિરાટ જ્યારે અનુષ્કા સાથેની વાતચીતમાં રડી પડ્યો અને પછી…
નવી દિલ્હી: વિરાટ કોહલી પુણેમાં ન્યૂ ઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં રમી રહ્યો છે. તે આજે પહેલા દાવમાં ફક્ત એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો. હમણાં તેનો થોડો ખરાબ સમય ચાલી રહ્યો છે. જોકે તે ચાર-પાંચ વર્ષ પહેલાં ખરાબ ફોર્મને કારણે જે માનસિક વેદના અનુભવી રહ્યો હતો એની વાત તેણે એક ઇન્ટરવ્યૂમાં કરી છે. એમાં તેણે કહ્યું છે કે “હું અનુષ્કા સાથે ફોન પરની વાતચીત દરમ્યાન રડી પડ્યો હતો.”
વાત એવી છે કે 2019થી 2022 દરમ્યાન ત્રણ વર્ષ સુધી તે એક પણ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો. નવેમ્બર 2019માં કોલકાતામાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં સદી નોંધાવ્યા પછી તેણે ત્રણ વર્ષ સુધી સેન્ચુરી માટે રાહ જોવી પડી હતી. વધુ એક સદી માટે મહિનાઓ સુધી સંઘર્ષ કર્યા બાદ છેક સપ્ટેમ્બર 2022માં તેણે દુબઈના એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે સેન્ચુરી ફટકારી હતી જેમાં તે 122 રન કરીને નૉટઆઉટ રહ્યો હતો.
વિરાટે ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે “દુબઈની સેન્ચુરી બાદ અનુષ્કા સાથે ફોન પરની વાતચીતમાં હું ભાવુક હાલતમાં રડી પડ્યો હતો. જોકે છેવટે સદીના દુકાળમાંથી બહાર આવ્યો એ બદલ હું ખૂબ હસ્યો પણ હતો.”
વિરાટે ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું છે કે “ત્રણ વર્ષના સેન્ચુરીના દુકાળ દરમ્યાન મને અનુષ્કાએ નૈતિક રીતે ખૂબ જ સારો સપોર્ટ કર્યો હતો. એટલે મારી આ સેન્ચુરી મેં અનુષ્કાને અને અમારી પુત્રી વામિકાને ડેડિકેટ કરી હતી.”
35 વર્ષનો વિરાટ ફુલ 80 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી ચૂક્યો છે. ક્રિકેટ જગતમાં એકમાત્ર સચિન તેંડુલકર 100 સદી સાથે તેનાથી આગળ છે. ટેસ્ટમાં વિરાટની 29, વન-ડેમાં 50 અને ટી-20માં એક સેન્ચુરી છે.
વિરાટે દુબઈની એ અણનમ 122 રનવાળી સેન્ચુરી બાર ફોર અને છ સિક્સરની મદદથી ફટકારી હતી. ભારતીય ટીમે એ મૅચમાં બે વિકેટે 212 રન કર્યા હતા જેમાં ઓપનર કેએલ રાહુલના 62 રન પણ સામેલ હતા. અફઘાનિસ્તાન આઠ વિકેટે ફક્ત 111 રન બનાવી શક્યું હતું અને ભારતનો 101 રનથી વિજય થયો હતો. ભુવનેશ્વર કુમારે એમાં ચાર રનમાં પાંચ વિકેટ લીધી હતી.