સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં દારૂકાંડ? અંડર-23 ટીમના ખેલાડીઓની કીટમાંથી દારૂ ઝડપાયો
સી.કે. નાયડુ ટ્રોફી રમવા માટે ચંદીગઢ ગયેલી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંડર-23 ટીમના ખેલાડીઓ જ્યારે રાજકોટ પરત આવી રહ્યા હતા તે સમયે ચંદીગઢ એરપોર્ટ પર ક્રિકેટરોની કીટની કસ્ટમ વિભાગે ચકાસણી કરી હતી, આ તપાસમાં કીટમાંથી 27 બોટલ દારૂ અને 2 યુનિટ બિયર મળી આવતા ચકચાર મચી છે. હજી સુધી આ મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.
અમુક મીડિયા અહેવાલો મુજબ Saurashtra Cricket Associationની ટીમના ખેલાડીઓએ સી. કે. નાયડુ ટ્રોફી જીતી લીધા બાદ અમુક સિનિયર ખેલાડીઓને ખુશ કરવા માટે દારૂ લાવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રણજી ટીમના એક સિનિયર ખેલાડી જુનિયર ખેલાડીઓ પાસેથી દારૂ મંગાવતા હોવાને કારણે તેમને આ પ્રવૃત્તિ કરવાની ફરજ પડી હોવાનું અહેવાલોમાં ચર્ચાઇ રહ્યું છે.
કેટલાક સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે જે જુનિયર ખેલાડીઓ દારૂ સાથે ઝડપાયા છે તેમાંથી અમુકના પરિવારજનો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં મોટો હોદ્દો ધરાવે છે. હાલ આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
મહત્વનું છે કે ચંદીગઢની મેચમાં જીતીને તમામ ખેલાડીઓ 25 જાન્યુઆરીના રોજ રાજકોટ પરત આવવા રવાના થઇ ગયા હતા, પરંતુ તેમની કિટ સહિતનો સામાન ઇન્ડિગોના કાર્ગોમાં આવવાનો હતો. ત્યારે ચંદીગઢ એરપોર્ટ પર કાર્ગોના સામાનનું કસ્ટમ વિભાગે ચેકિંગ હાથ ધરતા આખો ભાંડાફોડ થયો હતો.
સામાન્ય રીતે ક્રિકેટરો પાસે સામાન વધુ હોવાને લીધે તેઓ જે વિમાનમાં મુસાફરી કરવાના હોય ત્યાં સામાન આવતો નથી, પરંતુ કાર્ગોમાં તેને પાછળથી મોકલવામાં આવતો હોય છે. ક્રિકેટરો તો ચંદીગઢથી રાજકોટ પહોંચી ગયા હતા, પરંતુ જો કસ્ટમ વિભાગે તપાસ હાથ ન ધરી હોત તો સામાન ભેગો દારૂ પણ રાજકોટ પહોંચી જ જાત.
યુવા ખેલાડીઓને ક્રિકેટમાં સારી કારકિર્દી બનાવવા માટે રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ઉપરીઓને દારૂ આપીને ખુશ કરવાની જો જુનિયર ખેલાડીઓને ફરજ પડતી હોય તો આ ઘટના ક્રિકેટમાં જવા માગતા સૌરાષ્ટ્રના અનેક યુવાનો માટે ચેતવણીરૂપ કિસ્સો છે.