95% આવક ગુમાવ્યા બાદ પણ ડ્રીમ 11 નહીં કરે કર્મચારીઓની છટણી! CEOએ જણાવ્યો આવો પ્લાન | મુંબઈ સમાચાર
નેશનલસ્પોર્ટસ

95% આવક ગુમાવ્યા બાદ પણ ડ્રીમ 11 નહીં કરે કર્મચારીઓની છટણી! CEOએ જણાવ્યો આવો પ્લાન

મુંબઈ: તાજેતરમાં સમાપ્ત થયેલા સંસદના ચોમાસું સત્રમાં પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ, 2025 (Promotion and Regulation of Online Gaming Bill, 2025) બંને ગૃહોમાંથી પસાર કરવામાં આવ્યું હતું, હવે રાષ્ટ્રપતિની મંજુરી બાદ આ બિલ કાયદો બની જશે. એવામમાં ફેન્ટસી ગેમિંગ જાયન્ટ ડ્રીમ11 ની પેરેન્ટ કંપની ડ્રીમ સ્પોર્ટ્સ(Dream Sports)ને મોટો ફટકો પડ્યો છે. કંપનીએ ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સરશીપ પછી ખેંચી લીધી છે.

ડ્રીમ11 અને તેના જેવા અન્ય સંખ્યાબંધ ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ્સ બંધ થવાથી હાજરો લોકો નોકરી ગુમાવે તેવી શક્યતા છે. એવામાં ડ્રીમ સ્પોર્ટ્સના કો-ફાઉન્ડર અને CEO હર્ષ જૈને જણાવ્યું કે ભારતમાં રિયલ-મની ગેમ્સ પર પ્રતિબંધ લાગવા છતાં કંપની કર્મચારીઓની છટણી નહીં કરે. એક ઈન્ટરવ્યું દરમિયાન તેમને કહ્યું, “છટણી કરવાનો કોઈ ઈરાદો નથી, તમામ કર્મચારીઓ સુરક્ષિત છે.”

શું છે કંપનીનો પ્લાન?

હર્ષ જૈને જણાવ્યું કે તમારી 95 ટકા આવક ગુમાવવાથી થતી ખોટની ભરપાઈ કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે ભવિષ્યમાં તમે જેમાંથી નાણા ઉભા કરી શકો એવી પ્રોડક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરો. જેના માટે હંમેશા ટેલેન્ટની જરૂર રહે છે.

અહેવાલ મુજબ કંપની તેના 500 એન્જિનિયરો અને અન્ય સ્ટાફને ફેનકોડ, ડ્રીમસેટગો, ડ્રીમ ગેમ સ્ટુડિયો અને ડ્રીમ મની જેવા તેના હાલના બિઝનેસમાં ટ્રાન્સફર કરશે, આ ઉપરાંત સ્પોર્ટ્સ અને ક્રિએટર ઈકોનોમી માટે AI આધારિત પ્રોડક્ટ પર કામ કરશે.

હર્ષ જૈને જણાવ્યું હતું કે ડ્રીમ સ્પોર્ટ્સ પાસે સ્ટાફને પગાર ચુકવવા અને આગામી બે વર્ષ સુધી કામગીરી ચાલુ રાખવા માટે પુરતું ભંડોળ છે. નાણાકીય વર્ષ 23 માં કંપનીએ ₹6,384.49 કરોડની આવક નોંધાવી હતી, આ આવક નાણાકીય વર્ષ 22 માં ₹3,841 કરોડ હતી.

કંપની આ ક્ષેત્રમાં પણ જંપલાવશે:

અહેવાલ અનુસાર, ડ્રીમ સ્પોર્ટ્સ ફાઇનાન્સ સર્વિસમાં પણ પ્રવેશ કરવા જઈ રહી છે, જેના માટે નવી એપ્લિકેશન, ડ્રીમ મનીનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. અહેવાલ મુજબ આ એપ દૈનિક ધોરણે સોનું ખરીદવા ની સર્વિસ આપશે.

જૈનની આ ટિપ્પણી સંસદ દ્વારા ઓનલાઈન ગેમિંગ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન બિલ, 2025 પસાર કર્યાના થોડા દિવસો પછી આવી છે, જેમાં આવી રમતોની ઓફર અને ધિરાણને ગુનાહિત ગણવામાં આવે છે, જેમાં ગુનેગારોને પાંચ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

આ પણ વાંચો…BCCI અને Dream11 વચ્ચેનો કોન્ટ્રાક્ટ સત્તાવાર રીતે રદ; Dream11 આ રીતે દંડથી બચી ગયું

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button