સૅમસનની અફવાઓ વચ્ચે દ્રવિડે રાજસ્થાનની ટીમ છોડી દીધી
આરઆરના મૅનેજેમેન્ટે વ્યાપક સત્તા ઑફર કરી છતાં ભૂતપૂર્વ ક્રિકેટરે ટીમને ગુડબાય કરી

નવી દિલ્હીઃ રાહુલ દ્રવિડે રાજસ્થાન રૉયલ્સ (RR)ના હેડ-કોચ તરીકેનો હોદ્દો છોડી દીધો છે. આ ટીમના ફ્રૅન્ચાઇઝીએ જાહેર કર્યું છે કે દ્રવિડ (Dravid) આઇપીએલની 2026ની સીઝન પહેલાં પોતાની મુદત પૂરી કરશે. સંજુ સૅમસન આ ટીમ છોડી દેવા માગે છે એવી ચર્ચા વચ્ચે હવે દ્રવિડે આ ટીમને ગુડબાય કરી દીધી છે.
રાજસ્થાન રૉયલ્સના ફ્રૅન્ચાઇઝીએ દ્રવિડને વ્યાપક સત્તા (Broader position)ની ઑફર કરી હતી, પરંતુ દ્રવિડે એ ઓફર નકારી કાઢી હતી. તે આ ટીમ સાથે ફરી જોડાયો એને માત્ર એક સીઝન થઈ હતી. દ્રવિડ આ ટીમ સાથે સૌથી પહેલાં 2011માં જોડાયો હતો. મેગા ઑક્શનમાં તેને મેળવવામાં આવ્યો ત્યાર બાદ તે ત્રણ વર્ષ સુધી રાજસ્થાન વતી રમ્યો હતો. 2014 અને 2015માં તેણે આ જ ટીમને કોચિંગ આપ્યું હતું. ત્યાર બાદ તે બેંગલૂરુમાં બીસીસીઆઇની ક્રિકેટ ઍકેડેમીમાં અને પછી ભારતના કોચિંગ સ્ટાફમાં હેડ-કોચ તરીકે જોડાયો હતો.
આ પણ વાંચો: સૅમસન પછી હવે અશ્વિને પણ અત્યારથી 2026ની આઇપીએલમાં હલચલ મચાવી છે! જાણો કેવી રીતે…
2025ની સીઝનમાં રાજસ્થાનની ટીમ બીજા રાઉન્ડ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી. આ ટીમ 14માંથી ચાર જ મૅચ જીતી હોવાથી નવમા સ્થાને રહી હતી. 2022ની સીઝન બાદ આરઆર ટીમનું આ સૌથી ખરાબ પ્રદર્શન હતું. દ્રવિડે 2025ની સીઝન પહેલાં એક ઈજાને કારણે શરૂઆતની ઘણી મૅચો સુધી વ્હીલચેરમાં જ બેસવું પડ્યું હતું અને મેદાન પર ટીમને કોચિંગ આપવામાં પણ તે વ્હીલચેરમાં બેસીને આવ્યો હતો.
બાવન વર્ષના દ્રવિડના રાજીનામાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે આ ટીમ મોટા ફેરફાર જોઈ રહી છે. ઘણા અહેવાલોમાં જણાવાયું છે કે કૅપ્ટન સંજુ સૅમસન રાજસ્થાનની ટીમ છોડી દેવા માગે છે. કહેવાય છે કે તેને ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ સાઇન કરવામાં રસ બતાવ્યો છે.
આ પણ વાંચો: દ્રવિડ રાજસ્થાન રૉયલ્સના કોચિંગ કૅમ્પમાં કેમ ગેરહાજર છે જાણો છો?
જોકે આરઆરના ફ્રૅન્ચાઇઝીના ટોચના મૅનેજમેન્ટે કોચિંગ સ્ટાફમાં ફેરફાર કર્યો હોવાથી સૅમસન આરઆર સાથે જ જોડાઈ રહેવાનું પસંદ કરશે કે કેમ એ જોવું રહ્યું.