BCCIએ પૂછ્યું ભારત વર્લ્ડકપ કેમ હાર્યું? દ્રવિડે આપ્યો આવો જવાબ…
નવી દિલ્હીઃ ભારતીય ટીમને વર્લ્ડકપ-2023માં ઓસ્ટ્રેલિયન ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે ટીમ ઈન્ડિયા જેટલી નિરાશ થઈ હતી એનાથી અનેકગણી વધુ નિરાશા ક્રિકેટપ્રેમીઓને થઈ હતી. હવે BCCIએ હવે ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડને ભારતીય ટીમના હારનું કારણ પુછ્યું હતું, જેના જવાબમાં રાહુલ દ્રવિડે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આવો જોઈએ શું છે આ કારણ…
આ વખતે ભારતીય ટીમના પ્રદર્શનને જોઈને લોકો એવું માની રહ્યા હતા કે ભારતીય ટીમ જ આ વખતે વર્લ્ડકપ જીતી જશે, પણ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ સહિત સતત 10 મેચ જીતીને વર્લ્ડ ચેમ્પિયન બનવાનો દાવો મજબુત કર્યો હતો. પરંતુ ફાઈનલમાં પરિણામ લોકોની અપેક્ષા પ્રમાણે નહોતું આવ્યું. ત્યાર બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને હેડ કોચ રાહુલ દ્રવિડની સ્ટ્રેટેજી સામે સવાલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. જ્યારે BCCIએ રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડને ફાઈનલમાં મળેલી હારનું કારણ પૂછ્યું હતું તો તેમણે જે જવાબ આપ્યો એ ખૂબ જ ચોંકાવનારો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે BCCIના અધિકારીઓએ ટુર્નામેન્ટમાં ભારતના પ્રદર્શનની સમીક્ષા કરવા માટે હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે તાજેતરમાં જ બેઠક કરી હતી અને આ બેઠકમાં રોહિત શર્માએ વીડિયો કોલના માધ્યમથી જોડાયો હતો.
આ બેઠકમાં BCCIના સચિવ જય શાહ, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા સહિત કેટલાંક અધિકારીઓ સામેલ થયા હતા. બોર્ડના અધિકારો દ્વારા ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડને વર્લ્ડકપ-2023ની ફાઈનલમાં ભારતીય ટીમને મળેલી હાર અંગે પ્રશ્નો પૂછ્યા હતા. દ્રવિડે ભારતીય ટીમની હાર માટે અમદાવાદના સ્ટેડિયમની પિચને જવાબદાર ગણાવી હતી.
અહીંયા તમારી જાણ માટે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ માટે જૂની પિચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ મેચ એ પિચ પર રમાઈ હતી જેના પર અગાઉ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળી હતી. પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમને વચ્ચેની ઓવરમાં રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. જયારે ઓસ્ટ્રેલિયાને બીજી ઇનિંગમાં બેટિંગમાં ખૂબ જ મદદ મળી હતી અને ઓસ્ટ્રેલિયન ટીમે સાત ઓવર બાકી હતી ત્યારે જ 241 રનના લક્ષ્યને હાંસિલ કરી લીધો હતો.