ટેસ્ટ મેચ પહેલા દ્રવિડે ટીમ ઈન્ડિયા માટે આપ્યું હતું મહત્ત્વનું નિવેદન, શું કહ્યું જાણો?
સેન્ચુરિયનઃ અહીંના સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ પૂર્વે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે મંગળવારે કહ્યું હતું કે ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકાના વર્તમાન પ્રવાસ પર ટેસ્ટ શ્રેણી જીતવા માટે પણ થોડા નસીબની જરૂર પડશે.
બે મેચની શ્રેણીની શરૂઆતની મેચ પહેલા દ્રવિડે કહ્યું હતું કે અમે ઘણી વખત અહીં સારું ક્રિકેટ રમ્યા છીએ. અમે કેટલીક મહત્વપૂર્ણ ક્ષણોમાં અમારું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ રહ્યા ન હતા. ઘણી વખત અમને લાગ્યું કે જો ટીમે અહીં 40-50 વધુ રન કર્યા હોત તો તે વધુ પડકાર આપી શકી હોત.
આ ભૂતપૂર્વ મહાન બેટ્સમેને કહ્યું હતું કે બે વર્ષ પહેલા ભારતે છેલ્લા પ્રવાસમાં જે રીતે બોલિંગ કરી હતી તેનાથી ટીમનો આત્મવિશ્વાસ ઘણો વધશે. ભારતીય ટીમે છેલ્લા પ્રવાસમાં 1-0ની લીડ લીધા બાદ સીરિઝ 1-2થી હારી હતી.
મને લાગે છે કે અમે છેલ્લા પ્રવાસમાં ખૂબ સારી બોલિંગ કરી હતી. આનાથી અમારો આત્મવિશ્વાસ ઘણો વધશે કે અમારા બોલિંગ આક્રમણમાં આ સ્થિતિમાં 20 વિકેટ લેવાની ક્ષમતા છે. દ્રવિડે કહ્યું હતું કે આ સંજોગોમાં અમારે પણ થોડા નસીબની જરૂર છે, ઘણી બધી તકો છે જે તમારા હાથમાંથી સરકી જાય છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે 1992માં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. જોકે, ભારતીય ટીમ છેલ્લા 31 વર્ષમાં તે દેશમાં આઠમાંથી એક પણ ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી નથી. ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ જેવા દેશોમાં સફળતાનો સ્વાદ ચાખનાર ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકામાં 23 ટેસ્ટમાં માત્ર ચાર જ મેચમાં જીત નોંધાવી છે.