ભારત સામે છ મૅચ રમી ચૂકેલા ન્યૂ ઝીલૅન્ડના આ ફાસ્ટ બોલરે લીધું કોકેઇન, જાણો શું સજા થઈ…

ઑકલેન્ડ: ન્યૂ ઝીલૅન્ડના 34 વર્ષીય ફાસ્ટ બોલર ડગ બ્રેસવેલે કોકેઇન લીધું એ બદલ દેશના સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલે તેના રમવા પર એક મહિનાનો પ્રતિબંધ સત્તાવાર રીતે મૂક્યો છે.
ઑલરાઉન્ડર બ્રેસવેલે મેટાબોલાઇટ બેન્ઝોયલેકગોનાઈન નામના પ્રતિબંધિત ડ્રગ્સનું પણ સેવન કર્યું હતું.
તેણે આ ડ્રગ્સ જાન્યુઆરીમાં સુપર સ્મેશ નામની સ્થાનિક ટૂર્નામેન્ટ દરમ્યાન લીધું હતું. કામચલાઉ ધોરણે એપ્રિલ મહિનામાં જ તેણે કાર્યકારી સસ્પેન્શનનો એક મહિનો પૂરો કરી લીધો હોવાથી હવે તે રમી શકે એમ છે.
તેના ડ્રગ્સના કિસ્સા અને સસ્પેનશનની વિગતો છેક હવે જાહેર કરાઈ છે.
બ્રેસવેલે તપાસ દરમ્યાન કોકેઈનનું સેવન કર્યું હોવાનું કબૂલ્યું હતું, પરંતુ એવી દલીલ પણ કરી હતી કે તેણે આ કેફીદ્રવ્ય મૅચની પહેલાં લીધું હોવાથી સ્પોર્ટ્સના પર્ફોમન્સ સાથે એ સેવનને કોઈ જ લેવા દેવા નથી.
આ પણ વાંચો : ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલરે પોતાની ઈજાની સજા બિચારી ખુરસીને કરી…તોડી-ફોડી નાખી!
જોકે ટ્રિબ્યુનલે તેની દલીલ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેના સેવનથી ટૂર્નામેન્ટમાં તેના પર્ફોર્મન્સને અસર પડી જ હશે.
બ્રેસવેલ ભારત સામે બે ટેસ્ટ અને ચાર વન-ડે રમી ચૂક્યો છે. તેને 2011થી 2023 સુધીની 13 વર્ષની કરીઅરમાં માત્ર 28 ટેસ્ટ, 21 વન-ડે અને 20 ટી-20 મૅચ રમવા મળી છે જેમાં તેણે અનુક્રમે 74, 26 અને 20 વિકેટ લીધી છે તેમ જ કુલ 900 જેટલા રન બનાવ્યા છે.
બ્રેસવેલ આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ વતી રમ્યો હતો.