
બેંગલૂરુઃ બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમે 2023 વર્લ્ડ કપની તેની ચોથી મેચ ઓસ્ટ્રેલિયા સામે બેંગલુરુમાં 20 ઓક્ટોબર શુક્રવારે રમી હતી, જેમાં તેને 62 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. 2023 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સતત બીજી હાર છે.
આ શરમજનક હાર બાદ પાકિસ્તાની ટીમ પર ટીકાઓનો વરસાદ વરસી રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓ પણ ટીમના પ્રદર્શનથી નારાજ છે અને તેના પર સવાલો ઉઠાવી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનિસે એક વિચિત્ર નિવેદન આપ્યું છે. મેચ બાદ વાતચીતમાં વકારે કહ્યું કે તેને માત્ર પાકિસ્તાની ના કહેવામાં આવે.
પાકિસ્તાનની હાર પછી તેને લાગેલી શરમ કહો કે ઓસ્ટ્રેલિયા પ્રત્યેનો પ્રેમ જાગ્યો હોય કે પછી અન્ય કોઇ કારણસર વકારે પોતાને સંપૂર્ણ પાકિસ્તાની તરીકે ઓળખાવવાનો ઇનકાર કર્યો હતો. વકાર 2023 વર્લ્ડ કપના બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ માટે કોમેન્ટ્રી કરી રહ્યો છે. મેચ બાદ વિશ્લેષણ દરમિયાન તેણે કોમેન્ટેટર્સને કહ્યું હતું કે, ‘હું અડધો ઑસ્ટ્રેલિયન છું મને માત્ર પાકિસ્તાની ના કહો.’
પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર વકાર યુનુસ પોતાના નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર વકાર યુનિસે પાકિસ્તાની મૂળની ઓસ્ટ્રેલિયન નાગરિક ફરાલ સાથે લગ્ન કર્યા છે, જે વ્યવસાયે ડોક્ટર છે. તેઓ તેમના 3 બાળકો સાથે ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં રહે છે. તેમને બે પુત્રી અને એક પુત્ર છે. વકારે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં પાકિસ્તાન માટે કુલ 87 ટેસ્ટ અને 262 વનડે મેચ રમી છે. ટેસ્ટમાં તેમના નામે 373 વિકેટ છે જ્યારે વકારે વનડેમાં 416 વિકેટ લીધી છે.