18 વર્ષના ટીનેજર સામે જીતતાં જૉકોવિચના નાકે દમ આવી ગયો

મેલબર્ન: ઑસ્ટ્રેલિયન ઓપનમાં રવિવારના પહેલા જ દિવસે મોટો અપસેટ થતા રહી ગયો હતો. વિક્રમજનક દસ વખત આ સ્પર્ધાની ટ્રોફી જીતી ચૂકેલા સર્બિયાના 36 વર્ષીય વર્લ્ડ નંબર-વન નોવાક જૉકોવિચે ક્રોએશિયાના 18 વર્ષના ડિનો પ્રિઝમિકને 6-2, 5-7, 6-3, 6-4થી હરાવ્યો હતો.
જોકે પ્રથમ રાઉન્ડમાં જૉકોવિચની ડિનો સામે આકરી પરીક્ષા તો થઈ જ હતી. આ ટુર્નામેન્ટમાં આગળ જતાં જૉકોવિચ બીજા કોઈની સામે પણ નબળો પુરવાર થશે કે કેમ એવી શંકા તેના ગઈ કાલના સંઘર્ષભર્યા મુકાબલા પરથી થાય છે.
ખુદ જૉકોવિચે મૅચ પછી ટૅલન્ટેડ ખેલાડી ડિનોને જબરદસ્ત લડત આપવા બદલ બિરદાવ્યો હતો અને પ્રેક્ષકોએ ડિનોને સ્ટેડિંગ ઑવેશન આપ્યું હતું.
જૉકોવિચ 2005માં પહેલી વાર ઑસ્ટ્રેલિયન ઓપન રમ્યો ત્યારે ડિનોનો જન્મ પણ નહોતો થયો. નવાઈની વાત એ છે કે જૉકોવિચ વિક્રમજનક 24 ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલમાંથી મેલબર્નની આ સ્પર્ધામાં 10 વખત ચૅમ્પિયન બની ચૂક્યો છે.