જૉકોવિચના પુત્રએ વિમ્બલ્ડનના બધા ખેલાડીઓના ઑટોગ્રાફ લીધા, પણ ડૅડીના ઑટોગ્રાફ ન લીધા!

લંડનઃ ઐતિહાસિક પચીસમા ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલની મહેચ્છા રાખનાર સર્બિયાનો ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન નોવાક જૉકોવિચ (Novak Djokovic) તાજેતરમાં વિમ્બલ્ડન (Wimbledon) ચૅમ્પિયનશિપમાં 100મી મૅચ જીત્યો ત્યાર બાદ તેની સાત વર્ષની દીકરી ટારા પ્રેક્ષકો વચ્ચે સુંદર ડાન્સ કરીને છવાઈ ગઈ હતી અને હવે જૉકોવિચનો 11 વર્ષીય પુત્ર સ્ટેફાન (Stefan) ઑટોગ્રાફ (autograph) મેળવીને છવાઈ ગયો છે.
જોકે નવાઈની વાત એ છે કે સ્ટેફાનની ટોપી (હૅટ) પર વિમ્બલ્ડનના બધા ખેલાડીઓના ઑટોગ્રાફ છે, પણ તેના પિતાનો જ ઑટોગ્રાફ નથી. સ્ટેફાન જે હૅટ પહેરીને વિમ્બલ્ડનમાં તેના પિતાની મૅચ જોવા આવ્યો એ હૅટ પર તેણે વિમ્બલ્ડનના ખેલાડીઓની પાસે જઈને તેમના ઑટોગ્રાફ લીધા હતા અને ખુશ થઈ ગયો હતો. જોકે એના પર એક મૂલ્યાવાન ઑટોગ્રાફ નહોતા. એ હૅટ પર તેના ડૅડીના ઑટોગ્રાફ નહોતા.
આપણ વાંચો: જૉકોવિચ વિમ્બલ્ડનમાં 99મી મૅચ જીત્યો અને 19મી વખત ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો
જૉકોવિચે સોમવારે ચોથા રાઉન્ડમાં ઍલેક્સ ડિ મિનૉરને 1-6, 6-4, 6-4, 6-4થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો જેમાં તે ઇટલીના ફ્લાવિયો કૉબોલી સામે રમશે.
જૉકોવિચ ચોથા રાઉન્ડમાં જીતવા સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે બીજી બાજુ તેનો પુત્ર સ્ટેફાન સ્ટેડિયમમાં જે પણ વિમ્બલ્ડન ખેલાડીઓ હાજર હતા તેમના ઑટોગ્રાફ લેવામાં વ્યસ્ત હતો.
જૉકોવિચે ચોથા રાઉન્ડની મૅચ પછી સ્ટેફાન વિશે પૂછવામાં આવતાં કહ્યું હતું કે ` મારા પુત્રએ પોતે જ બધા વિમ્બલ્ડન ખેલાડીઓના ઑટોગ્રાફ લેવાનું નક્કી કર્યું હતું અને તેમની પાસે પહોંચી જઈને હું નોવાક જૉકોવિચનો પુત્ર છું એવું કહીને તેમના ઑટોગ્રાફ મેળવ્યા હતા.
મેં વર્લ્ડ નંબર-વન યાનિક સિનરને અને બીજા એક ખેલાડીને વિનંતી કરી હતી કે મારો દીકરો ઑટોગ્રાફ લેવા આવે તો આપજે. જોકે સ્ટેફાન તો બધા પાસે પહોંચી ગયો હતો. તે તમામ ખેલાડીઓના ઑટોગ્રાફ મેળવીને અત્યંત ખુશ હતો.
તેનામાં ખુશી જાણે સમાતી નહોતી. તેને ટેનિસની રમત બેહદ ગમે છે અને તેણે મારા સિવાય બીજા બધા ખેલાડીઓના ઑટોગ્રાફ લીધા. જોકે મને કોઈ નારાજગી નથી. ધૅટ્સ ઓકે.’
જૉકોવિચ અને યેલેના વચ્ચે 2005ની સાલથી રિલેશનશિપ હતી. જુલાઈ 2014માં તેમણે લગ્ન કર્યાં હતાં. ઑક્ટોબર, 2014માં યેલેનાએ પુત્રને જન્મ આપ્યો હતો જેનું નામ સ્ટેફાન છે. 2017માં યેલેનાએ પુત્રીને જન્મ આપ્યો હતો અને તેનું નામ ટારા છે.