જૉકોવિચને ફરી પરાસ્ત કરીને અલ્કારાઝે ફેડરર જેવો ઇતિહાસ રચ્યો
લંડન: સ્પેનના કાર્લોસ અલ્કારાઝે અહીં રવિવારે વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપની સિંગલ્સની ફાઇનલમાં સર્બિયાના લેજન્ડરી ટેનિસ ખેલાડી નોવાક જૉકોવિચને સ્ટ્રેઇટ સેટમાં હરાવીને સતત બીજા વર્ષે ટાઇટલ જીતી લીધું હતું. 2023ની વિમ્બલ્ડનની ફાઇનલમાં પણ અલ્કારાઝે જૉકોવિચને હરાવ્યો હતો.
અલ્કારાઝે એક રીતે ટેનિસ-લેજન્ડ રોજર ફેડરરની બરાબરી પણ કરી છે. ફેડરર પછી અલ્કારાઝ એવો બીજો પહેલો ખેલાડી છે જેણે કરીઅરની પહેલી ચારેય ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલમાં વિજય હાંસલ કર્યો છે. અલ્કારાઝ બે વિમ્બલ્ડન, એક ફ્રૅન્ચ ઓપન અને એક યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચીને ચારેયમાં ટાઇટલ જીત્યો છે.
2023ની વિમ્બલ્ડનની ફાઇનલમાં અલ્કારાઝે જૉકોવિચને પાંચ સેટના લાંબા સમયના મુકાબલામાં પરાજિત કર્યો હતો.
જૉકોવિચે હજી ગયા મહિને ઘૂંટણમાં સર્જરી કરાવી હતી અને થોડા દિવસ આરામ કરીને તેણે પ્રૅક્ટિસ શરૂ કરી દીધી હતી અને અહીં ફાઇનલ સુધી પહોંચ્યો હતો.
આ ફાઇનલ જોવા આવેલા હજારો પ્રેક્ષકોમાં પ્રિન્સેસ ઑફ વેલ્સ કેટ પણ હાજર હતાં. થોડા દિવસ પહેલાં જ કેટ તરફથી જાહેરાત કરાઈ હતી કે તેમને કૅન્સર છે અને એને પગલે તેઓ ભાગ્યે જ જાહેરમાં જોવાં મળ્યાં હતાં. જોકે વિમ્બલ્ડનની ફાઇનલ જોવા આવીને તેમણે હજારો પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા.
અલ્કારાઝ હજી ગયા મહિને ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીત્યો હતો.