ઓસ્ટ્રેલિયન ઓપનમાં જોકોવિચની આગેકૂચ, 11મી વખત સેમી ફાઈનલમાં
મેલબોર્ન: સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે લગભગ ચાર કલાક ચાલેલી મેરેથોન મેચમાં અમેરિકાના ટેનિસ ખેલાડી ટેલર ફ્રિટ્ઝને હરાવ્યો અને 11મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
જોકોવિચે આ મેચ 7-6, 4-6, 6-2, 6-3થી જીતી હતી. 24 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયને મેલબોર્ન પાર્કમાં તમામ દસ સેમી ફાઈનલ અને ફાઈનલ જીતી છે. તે 48મી વખત ગ્રાન્ડ સ્લેમ સેમી ફાઇનલમાં પહોંચ્યો છે જ્યાં તેનો સામનો ચોથા ક્રમાંકિત યાનિક સિનર અથવા પાંચમા ક્રમાંકિત આન્દ્રે રૂબલેવ સામે થશે.
અત્યાર સુધીમાં જોકોવિચે એક સિવાયની તમામ મેચોમાં ફ્રિટ્ઝને સીધા સેટમાં હરાવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં 2021માં મેચ પાંચ સેટ સુધી લંબાઇ હતી. મહિલા કેટેગરીમાં કોકો ગાફે યુક્રેનની માર્તા કોસ્ત્યુકને 7-6, 6-7,6-2થી હાર આપી હતી. હવે તેનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન એરીના સબાલેન્કા અથવા બારબરા ક્રેઇસિકોવા સામે થશે.