ચેસની વર્લ્ડ ચૅમ્પિયન દિવ્યાને ફડણવીસના હસ્તે ત્રણ કરોડ રૂપિયાનું ઇનામ સુપરત | મુંબઈ સમાચાર

ચેસની વર્લ્ડ ચૅમ્પિયન દિવ્યાને ફડણવીસના હસ્તે ત્રણ કરોડ રૂપિયાનું ઇનામ સુપરત

દેશના મુખ્ય ન્યાયાધીશે નાગપુરમાં દિવ્યાને ઘરે જઈને આપ્યા અભિનંદન

નાગપુરઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (FADANVIS) અહીં શનિવારે સત્કાર સમારંભમાં મહિલા ચેસ જગતની સૌથી યુવાન વિશ્વ વિજેતા દિવ્યા દેશમુખ (DIVYA DESHMUKH)નું બહુમાન કર્યું હતું અને તેને ત્રણ કરોડ રૂપિયાના ઇનામ (PRIZE)નો ચેક સુપરત કર્યો હતો તેમ જ તેને ભવિષ્યમાં કરીઅર સંબંધિત પ્રયાસોમાં રાજ્ય સરકાર તરફથી સપોર્ટ કરવાની ખાતરી પણ આપી હતી.

19 વર્ષની દિવ્યા મૂળ નાગપુરની છે. સીએમ ફડણવીસ પણ આ જ શહેરના છે. સન્માન સમારોહમાં દિવ્યાએ સીએમ તેમ જ અન્ય મહાનુભાવોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે ` મારા માટે આ અપ્રતિમ પળો છે. હું બાળકો માટે પ્રેરક બની શકીશ અને તેમને કોઈને કોઈ રીતે મૉટિવેટ કરી શકીશ એની મને ખુશી છે. મારી આનંદની કોઈ સીમા નથી.’

આ પણ વાંચો: મહિલા ચેસ વર્લ્ડકપ જીત્યા બાદ માતાને ગળે લગાવી રડી દિવ્યા, કહ્યું- ‘આ તો શરૂઆત છે’

દિવ્યાએ પ્રવચનમાં મહારાષ્ટ્ર સરકાર તથા મહારાષ્ટ્ર ચેસ ઍસોસિયેશનનો પણ આભાર માન્યો હતો.
દરમ્યાન, ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (સીજેઆઇ) ભૂષણ ગવઈ શનિવારે નાગપુરમાં દિવ્યા દેશમુખના ઘરે ગયા હતા અને તેને તેમ જ તેના મમ્મી-પપ્પા અને સમગ્ર પરિવારને અભિનંદન આપ્યા હતા.

યોગાનુયોગ, સીજેઆઇ અમરાવતીના છે. દેશમુખના દાદા સ્વ. કે. જી. દેશમુખ એક સમયે સંત ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટીના ઉપ કુલપતિ હતા. સીજેઆઇના પિતા અને સ્વ. કે. જી. દેશમુખ નજીકના મિત્રો હતા.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button