દિવ્યા દેશમુખે ગ્રેન્ડમાસ્ટરનું ટાઇટલ સદગત ટ્રેઇનરને અર્પણ કર્યું
નાગપુરની ટીનેજર 10 વર્ષ પહેલાં વર્લ્ડ યુથ ચેસ ચૅમ્પિયન બની હતી

નાગપુરઃ જ્યોર્જિયામાં સૌથી નાની ઉંમરે મહિલા ચેસની વર્લ્ડ ચૅમ્પિયન બનીને ભારત પાછી આવેલી નાગપુરની 19 વર્ષીય દિવ્યા દેશમુખે (Divya Deshmukh) આ જ વર્લ્ડ કપ સ્પર્ધામાં મેળવેલું ગ્રેન્ડમાસ્ટર (GM)નું ટાઇટલ સદગત ટ્રેઇનર રાહુલ જોશીને અર્પણ કર્યું છે. 2020માં રાહુલ જોશી (RAHUL JOSHI)નું 40 વર્ષની ઉંમરે નિધન થયું હતું.
તેઓ દિવ્યાને ગ્રેન્ડમાસ્ટર બનાવવા માગતા હતા અને હવે તેઓ તો હયાત નથી, પણ દિવ્યાએ વર્લ્ડ કપ જીતીને ગ્રેન્ડમાસ્ટરનું ટાઇટલ આપોઆપ મેળવીને તેમનું સપનું સાકાર કર્યું છે.
આપણ વાંચો: વર્લ્ડ ચૅમ્પિયન દિવ્યા દેશમુખે ફાઇનલ વખતે છેક સુધી ચેસ બોર્ડની બાજુમાં કેળું રાખી મૂક્યું હતું!
દિવ્યા દેશમુખ ભારતની 88મી અને મહિલાઓમાં ચોથી ગ્રેન્ડમાસ્ટર બની છે. તેણે સોમવારે ફિડે વર્લ્ડ કપ (World Cup)માં ભારતની 38 વર્ષીય રૅપિડ વર્લ્ડ ચેસ ચૅમ્પિયન કૉનેરુ હમ્પીને ફાઇનલમાં 1.5-0.5થી હરાવીને વિશ્વવિજેતાપદ મેળવી લીધું હતું. ચેસમાં તે ભારતની પ્રથમ મહિલા વિશ્વવિજેતા છે.
દિવ્યાએ ભારત પાછા આવ્યા બાદ એક મુલાકાતમાં કહ્યું, ` મારા ભૂતપૂર્વ ટ્રેઇનર રાહુલ જોશી ઇચ્છતા હતા કે હું જીએમ બનું. હું મારું જીએમ ટાઇટલ તેમને ડેડિકેટ કરું છું.’
દિવ્યા મહિલા ચેસમાં ફિડે વર્લ્ડ કપ જીતનારી વિશ્વની યંગેસ્ટ મહિલા ખેલાડી છે. પુરુષોમાં યંગેસ્ટ વિશ્વ વિજેતાનો તાજ ડિસેમ્બરમાં ભારતના જ ડી. ગુકેશે જીતી લીધો હતો. વિશ્વનાથન આનંદ 2000ની સાલમાં ચેસમાં ભારતનો સૌપ્રથમ વર્લ્ડ ચૅમ્પિયન બન્યો હતો.
દિવ્યા અગાઉ વર્લ્ડ જુનિયર ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પણ જીતી હતી. તે એશિયન ચૅમ્પિયનશિપમાં પણ વિજેતા થઈ હતી અને નવ વર્ષની ઉંમરે (10 વર્ષ પહેલાં) વર્લ્ડ યુથ ચૅમ્પિયનશિપનું ટાઇટલ જીતી હતી.
આપણ વાંચો: મહિલા ચેસ વર્લ્ડકપ જીત્યા બાદ માતાને ગળે લગાવી રડી દિવ્યા, કહ્યું- ‘આ તો શરૂઆત છે’
મુંબઈ ચેસના જાણીતા કોચ નાગેશ ગટ્ટુલાએ સોમવારે દિવ્યા યંગેસ્ટ વર્લ્ડ ચૅમ્પિયન બની ત્યારે વર્ષ 2014ની તેની સિદ્ધિની વિગતો સાથેનો તેનો નાનપણનો ફોટો ફેસબુક પર શૅર કર્યો હતો. દિવ્યા ડિસેમ્બર 2014માં વર્લ્ડ યુથ ચેસ ચૅમ્પિયન બની હતી અને તેણે મહારાષ્ટ્રનું તેમ જ ભારતનું નામ રોશન કર્યું હતું.

દિવ્યા ત્યારે માંડ સાડાઆઠ વર્ષની હતી. કોચ નાગેશે ત્યારે દિવ્યાને વિશ્વની યંગેસ્ટ ગ્રેન્ડમાસ્ટર બનવા માટેની શુભેચ્છા આપી હતી. આજે દિવ્યા મહિલા ચેસની યંગેસ્ટ વર્લ્ડ ચૅમ્પિયન છે.