મહિલા ચેસ વર્લ્ડકપ જીત્યા બાદ માતાને ગળે લગાવી રડી દિવ્યા, કહ્યું- ‘આ તો શરૂઆત છે’

મહિલા ચેસ વર્લ્ડકપ જીત્યા બાદ માતાને ગળે લગાવી રડી દિવ્યા, કહ્યું- ‘આ તો શરૂઆત છે’

દિવ્યા દેશમુખને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન મોદીએ આપ્યા અભિનંદન

બટુમી (જ્યોર્જિયા): ભારતની 19 વર્ષીય યુવા મહિલા ચેસ ખેલાડી દિવ્યા દેશમુખે જ્યોર્જિયામાં રમાયેલા ફિડે મહિલા વર્લ્ડકપ 2025માં ટાઈબ્રેકરમાં ભારતની કોનેરુ હમ્પીને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. દિવ્યાએ માત્ર ટુર્નામેન્ટ જીતી જ નહીં પરંતુ ગ્રાન્ડમાસ્ટર પણ બની ગઇ હતી. તે ગ્રાન્ડમાસ્ટર બનનારી ચોથી ભારતીય મહિલા ખેલાડી છે અને એકંદરે 88મી ખેલાડી છે. આ જીત પછી દિવ્યા રડી પડી હતી, જ્યારે તેની જીતને દેશના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાને અભિનંદન આપ્યા હતા.

દિવ્યાએ કહ્યું આ જીત સમજવા સમય લાગશે
આ જીત પછી ભાવુક દિવ્યા પોતાના આંસુ રોકી શકી નહોતી. જીત પછી દિવ્યાએ કહ્યું હતું કે મને આ (જીત) સમજવા માટે સમય લાગશે. મને લાગે છે કે આ નસીબની વાત હતી કે મને આ રીતે ગ્રાન્ડમાસ્ટરનું ટાઈટલ મળ્યું હતું, કારણ કે આ ટુર્નામેન્ટ પહેલા મારી પાસે એક પણ (ગ્રાન્ડમાસ્ટર) નોર્મ નહોતું અને હવે હું ગ્રાન્ડમાસ્ટર છું. પાંચ વખતના ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે દિવ્યાની જીતની પ્રશંસા કરી અને તેને ભારતીય ચેસ માટે એક મહાન ક્ષણ ગણાવી હતી.

divya deshmukh chess world champion mother

દિવ્યાએ કહ્યું કે મારા માટે હાલમાં બોલવું મુશ્કેલ
બે વખતની વર્લ્ડ રેપિડ ચેમ્પિયન હમ્પીને હરાવ્યા બાદ દિવ્યા ભાવુક થઈ ગઈ હતી અને પોતાની માતાને ગળે લગાવીને રડવા લાગી હતી. દિવ્યાએ કહ્યું કે મારા માટે હાલમાં બોલવું મુશ્કેલ છે. પરંતુ હજુ ઘણુ હાંસલ કરવાનું બાકી છે. મને આશા છે કે આ ફક્ત શરૂઆત છે. આ સિદ્ધિ સાથે દિવ્યા દેશમુખ હમ્પી, દ્રોણાવલ્લી હરિકા અને આર.વૈશાલી બાદ ગ્રાન્ડમાસ્ટર બનનારી ફક્ત ચોથી ભારતીય મહિલા બની ગઈ હતી.

જોકે ચેસમાં ગ્રાન્ડમાસ્ટર બનવું એ સૌથી મુશ્કેલ કાર્યોમાંનું એક છે કારણ કે ખેલાડીએ ફિડે દ્ધારા મંજૂર કરાયેલી ટુર્નામેન્ટમાં ત્રણ ગ્રાન્ડમાસ્ટર ધોરણો પ્રાપ્ત કરવા અને 2500 રેટિંગ પાર કરવા પડે છે. દિવ્યાએ આ ટુનામેન્ટની શરૂઆત એક અંડરડૉગના રૂપમાં કરી હતી અને ભવિષ્યમાં ગ્રાન્ડમાસ્ટર બનવાની પોતાની યાત્રામાં ઓછામાં ઓછું એક ગ્રાન્ડમાસ્ટર નોર્મ જીતવાની આશા રાખી રહી હતી.

નાગપુરની 19 વર્ષીય ખેલાડીને ખબર નહોતી કે તે રમતના કેટલાક શ્રેષ્ઠ અને મોટા ખેલાડીઓને હરાવી દેશે અને લગભગ ત્રણ અઠવાડિયાના સમયગાળામાં ત્રણ મોટી સિદ્ધિઓ હાંસલ કરશે. તેણે આવતા વર્ષે કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવ્યું હતું. સાથે તે મહિલા ચેસ વર્લ્ડકપ ચેમ્પિયન બની હતી અને આ સાથે તે ગ્રાન્ડમાસ્ટર બની ગઇ હતી.

ફિડેનો નિયમ છે કે અમુક ટુર્નામેન્ટના વિજેતાઓ સામાન્ય ધોરણો અને રેટિંગ પાથને બાયપાસ કરીને સીધા ગ્રાન્ડમાસ્ટર બની શકે છે. મહિલા વર્લ્ડ કપ એ એક એવી ટુર્નામેન્ટમાંની એક છે જ્યાં વિજેતા સીધી ગ્રાન્ડમાસ્ટર બને છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ચેસ મહિલા ખેલાડી દિવ્યા દેશમુખને ફિડે મહિલા વર્લ્ડ કપ જીતવા બદલ અને કોનેરુ હમ્પીને રનર-અપ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્યાને મારા હાર્દિક અભિનંદનઃ રાષ્ટ્રપતિ
દિવ્યાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર અભિનંદન આપતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, “દિવ્યા દેશમુખને મારા હાર્દિક અભિનંદન, જે ફક્ત ઓગણીસ વર્ષની ઉંમરે ફિડે મહિલા વર્લ્ડ કપ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. કોનેરુ હમ્પી રનર-અપ હતી અને ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપની બંને ફાઇનલિસ્ટ ભારતની હતી. આ આપણા દેશમાં ખાસ કરીને મહિલાઓમાં પ્રતિભાને દર્શાવે છે. હું કોનેરુ હમ્પીની પ્રશંસા કરું છું જેમણે પોતાની શાનદાર કારકિર્દી દરમિયાન શ્રેષ્ઠતા જાળવી રાખી છે. મને વિશ્વાસ છે કે આ બંને મહિલા ચેમ્પિયન વધુ ગૌરવ પ્રાપ્ત કરશે અને આપણા યુવાનોને પ્રેરણા આપશે.

નોંધપાત્ર સિદ્ધિ બદલ તેને અભિનંદન
દરમિયાન વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર દિવ્યાને અભિનંદન આપતા કહ્યું હતું કે “બે ઉત્કૃષ્ટ ભારતીય ચેસ ખેલાડીઓ વચ્ચેની ઐતિહાસિક ફાઇનલ. યુવા દિવ્યા દેશમુખને ફિડે મહિલા વિશ્વ ચેસ ચેમ્પિયન 2025 બનતા જોઈને ગર્વ થાય છે. આ નોંધપાત્ર સિદ્ધિ બદલ તેને અભિનંદન, જે ઘણા યુવાનોને પ્રેરણા આપશે. વધુમાં તેમણે કહ્યું હતું કે કોનેરુ હમ્પીએ પણ સમગ્ર ચેમ્પિયનશિપ દરમિયાન અપાર કૌશલ્ય દર્શાવ્યું છે. બંને ખેલાડીઓને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ.”

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button