ઑસ્ટ્રેલિયાની ટીમમાં મતભેદ…સ્ટાર્કથી રહેવાયું નહીં અને 18મા દિવસે મોં ખોલ્યું!
સિડની: ટી-20 વર્લ્ડ કપની શરૂઆત વખતે ભારત અને ઑસ્ટ્રેલિયા ટ્રોફી જીતવા માટે ફેવરિટ હતા જેમાંથી ઑસ્ટ્રેલિયા રહી ગયું અને ભારત ચૅમ્પિયન બની ગયું. રોહિત શર્માના સુકાનમાં ભારતીયો 29મી જૂને વિશ્ર્વ વિજેતા બન્યા પછી આનંદના ઉન્માદમાં ખૂબ નાચ્યા હતા, ‘બેરીલ’ વંટોળને કારણે બાર્બેડોઝમાં જ ચાર દિવસ સુધી ફસાયેલા રહ્યા, પણ ચોથી જુલાઈએ સ્વદેશ પાછા આવ્યા અને મુંબઈમાં અભૂતપૂર્વ માનવ મહેરામણમાં ચૅમ્પિયનપદ સેલિબ્રેટ કર્યો હતો.
જોકે ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ સેમિ ફાઇનલથી પણ વંચિત રહી ગયા હતા એ આઘાતમાંથી હજી બહાર નહીં આવ્યા હોય. કાંગારૂઓએ સેમિ ફાઇનલમાં જે હારનો આંચકો સહન કર્યો એ બાદ છેક 18મા દિવસે તેમની ટીમમાંનો મતભેદ બહાર આવ્યો છે.
ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે (Mitchell Starc) મૌન તોડ્યું છે. તેણે ટીમ મૅનેજમેન્ટમાંના મતભેદનો આડકતરો ઉલ્લેખ કર્યો છે.
ઑસ્ટ્રેલિયાની ટીમ સુપર-એઇટમાં અફઘાનિસ્તાન સામે 21 રનથી હારી જતાં સ્પર્ધાની બહાર ફેંકાઈ ગઈ હતી અને અફઘાનિસ્તાને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
અફઘાનિસ્તાન સામેની એ મૅચમાં સ્ટાર્કને બદલે સ્પિનર ઍશ્ટન ઍગરને ઇલેવનમાં સમાવાયો હતો. જોકે ઍગર એ મૅચમાં એકેય વિકેટ નહોતો લઈ શક્યો અને બૅટિંગમાં પણ તેનું કોઈ યોગદાન નહોતું. સ્ટાર્કે સિડનીના એક જાણીતા અખબારને કહ્યું છે, ‘કિંગ્સટાઉનમાં અફઘાનિસ્તાન સામેની મૅચ અગાઉના મુકાબલામાં સ્પિનર્સ સારું રમ્યા હતા એટલે ઑસ્ટ્રેલિયાના ટીમ-મૅનેજમેન્ટે અફઘાનિસ્તાન સામેની મૅચમાં મને ન લીધો અને ઍગરને મોકો આપ્યો. જોકે અફઘાનિસ્તાનના બૅટર્સ સ્પિન બોલિંગ સામે સારું રમ્યા અને પરિસ્થિતિનું અવલોકન અમારા કરતાં તેમણે સારું કર્યું હતું. અમે કેટલીક ભૂલ કરી જેનું પરિણામ ભોગવવું પડ્યું.’
સ્ટાર્કે ટૂર્નામેન્ટના શેડ્યૂલ બાબતમાં પણ નારાજગી વ્યક્ત કરતા કહ્યું, ‘ગ્રૂપ-સ્ટેજમાં અમે ઇંગ્લૅન્ડથી આગળ હતા અને અચાનક જ અમે અલગ ગ્રૂપમાં આવી ગયા હતા. અમને બે ડે-નાઇટ મૅચ મળી અને ત્રીજી ડે મૅચ હતી. અમે સારી તૈયારી નહોતા કરી શક્યા. અમારી ફ્લાઇટ પણ મોડી પડી હતી અને ટીમ-હોટેલ ઍરપોર્ટથી દોઢ કલાકના અંતરે હતી. બીજા દિવસે સવારે અમારે મૅચ રમવાની હતી.’