BCCI VS PCB: બીસીસીઆઈ સામે પીસીબીની કેટલી છે નેટવર્થ, જાણશો તો ચોંકી જશો!

ક્રિકેટ એ માત્ર રમત નથી, પરંતુ એક વિશાળ આર્થિક સામ્રાજ્ય પણ છે, આ સમ્રાજ્યમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ તરીકે જાણીતું છે. BCCIની અબજો રૂપિયાની આવકની સામે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની નાણાકીય સ્થિતિ ઘણી નબળી દેખાય છે. આ નાણાકીય અસમાનતા માત્ર બોર્ડની આવક જ નહીં, પરંતુ ખેલાડીઓના વેતન અને ક્રિકેટના વિકાસ પર પણ અસર કરે છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની કુલ સંપત્તિ આશરે ₹18,760 કરોડ છે, જે તેને વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ બનાવે છે. BCCIની આવકનો મોટો હિસ્સો, લગભગ 60 ટકા, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી આવે છે, જે વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ લીગ છે. IPLના ટીવી અને ડિજિટલ બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ (2023-27) ₹39,775 કરોડમાં વેચાયા હતા, જેનાથી BCCIની આવકમાં નોંધપાત્ર વધારો થયો. આ ઉપરાંત, સ્પોન્સરશિપ, ટિકિટ વેચાણ અને આંતરરાષ્ટ્રીય ટૂરની આવક પણ BCCIની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવે છે.
જ્યારે બીજી બાજુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની નેટવર્થ માત્ર ₹458 કરોડ (55 મિલિયન ડોલર) છે, જે BCCIની સરખામણીમાં ખૂબ જ ઓછી છે. જેની સાથે પાછલા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. PCBની આવકનો મુખ્ય સ્ત્રોત પાકિસ્તાન સુપર લીગ (PSL) છે, પરંતુ તેની કમાણી IPLની તુલનામાં નજીવી છે. PCBને તેની નાણાકીય જરૂરિયાતો માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના રેવન્યુ શેરિંગ મોડલ પર નિર્ભર રહેવું પડે છે. પાકિસ્તાનની આર્થિક અસ્થિરતાનો પણ PCBના કામકાજ પર પ્રભાવ પડે છે, જેના કારણે તેની નાણાકીય સ્થિતિ નબળી રહે છે.
BCCI અને PCBની નાણાકીય તાકાતનો સીધો પ્રભાવ ખેલાડીઓની સેલેરી પર જોવા મળે છે. IPLમાં એક સામાન્ય ભારતીય ખેલાડી પણ ઊંચી સેલેપી મેળવે છે, જ્યારે PSLમાં ટોચના ખેલાડીઓ જેમ કે બાબર આઝમને આશરે ₹1.95 કરોડ (2,20,000 ડોલર) મળે છે, જે IPLના સરેરાશ ખેલાડીની કમાણીથી ઓછું છે. BCCIની મજબૂત બ્રાન્ડ ઓળખ અને સ્પોન્સરશિપ ડીલ્સ ભારતીય ખેલાડીઓને વિશ્વમાં સૌથી વધુ વેતન આપે છે.
BCCI અને PCB વચ્ચેનો આ નાણાકીય તફાવત માત્ર આવક અને ખેલાડીઓના વેતન સુધી સીમિત નથી, પરંતુ તે ક્રિકેટના વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ખેલાડીઓની સુવિધાઓ પર પણ અસર કરે છે. BCCIની મજબૂત નાણાકીય સ્થિતિ તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ પ્રભાવશાળી બનાવે છે, જ્યારે PCBની નબળી આર્થિક સ્થિતિ તેના વિકાસને મર્યાદિત કરે છે. આ અસમાનતા ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડની આર્થિક શક્તિ અને તેના વૈશ્વિક પ્રભાવનું પ્રતીક છે.
આ પણ વાંચો…IND vs PAK Final: પાક. અધ્યક્ષ ટ્રોફી લઈ ગયા, BCCIનું અલ્ટિમેટમ – ‘તાત્કાલિક પરત કરો’