‘ભયભીત નહીં થતા, મગજ શાંત રાખીને રમજો’ એવું ડાયના એદલજીએ કોના માટે કહ્યું?
મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટમાં ટ્રોફીનો દુકાળ ખૂબ લાંબો ચાલ્યો અને એ દુકાળ દૂર કરવા કૅપ્ટન હરમનપ્રીત કૌર સહિતની ભારતીય ખેલાડીઓએ ભારે માનસિક દબાણવાળી પરિસ્થિતિમાં ભયભીત થયા વગર અને મગજને શાંત રાખીને રમવું જોઈશે, એવું ભારતનાં ભૂતપૂર્વ કૅપ્ટન ડાયના એદલજીએ શુક્રવારે અહીં કહ્યું હતું.
આ પણ વાંચો : કોહલીની 45 મિનિટ બૅટિંગ, બુમરાહે પણ પસીનો પાડ્યો: ટેસ્ટ-મૅચનું કાઉન્ટડાઉન શરૂ…
2020માં ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપ ટ્રોફીની લગોલગ આવી ગઈ હતી. ફાઇનલમાં ભારતનો ઑસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો. એ મુકાબલામાં અલીસા હિલી 39 બૉલમાં 75 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી અને ભારતનો 85 રનથી પરાજય થયો હતો.
મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ આગામી ત્રીજી ઑક્ટોબરથી યુએઇમાં રમાશે.
વાનખેડેમાં શુક્રવારે આઇસીસી ટી-20 વર્લ્ડ કપ ટ્રોફી ટૂર ઇવેન્ટ યોજાઈ હતી જેમાં એદલજીએ એવું પણ કહ્યું હતું કે ‘વર્લ્ડ કપની બધી ટીમો મજબૂત છે અને ટી-20 મૅચમાં કોઈ પણ ટીમ મેદાન મારી શકે. એ જોતાં અમુક બૅટર્સ મૅચમાં બાજી પલટાવી શકે. એશિયા કપમાં આપણે જોયું કે લેફ્ટ-હૅન્ડ બૅટર્સ બહુ સારું રમી અને તેમણે સિક્સર્સ સહિત વિનિંગ શૉટ્સ ફટકાર્યા હતા.’
એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાની લેફ્ટ-હૅન્ડ બૅટર્સ ચમારી અથાપથુથુ અને હર્ષિતા સમરાવિક્રમાના અસરદાર ફિફ્ટીને કારણે ભારતનો પરાજય થયો હતો.
એદલજીએ એવું પણ કહ્યું કે ‘ભારતીય ટીમ ઘણી સારી છે, માત્ર મૅચ કેવી રીતે ફિનિશ કરવી એના પર તેમણે વધુ ધ્યાન આપવું પડશે. તમારા હાથમાંથી બાજી ઝૂંટવાઈ જાય એવી એકેય તક હરીફ ટીમને નહીં આપતા.’