રોહિત શર્માની સદી પર ભારે ધોનીની ત્રણ સિક્સ, ચેન્નઇએ મુંબઇને 20 રનથી હરાવ્યું
મુંબઇ: ઇન્ડિયન પ્રિમિયર લીગની 29મી મેચમા ચેન્નઇ સુપર કિગ્સે મુંબઇ ઇન્ડિયન્સને 20 રનથી હાર આપી હતી. મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિગ કરતા ચેન્નઇએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 206 રન કર્યા હતા. જેના જવાબમાં મુંબઈએ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 186 રન કર્યા હતા.
આ મેચમાં મુંબઈની શરૂઆત મજબૂત રહી હતી. ઈશાન કિશન અને રોહિત શર્મા વચ્ચે પ્રથમ વિકેટ માટે 70 રનની ભાગીદારી થઈ હતી. ચેન્નઇના બોલર પથિરાનાએ આ મેચમાં ચાર વિકેટ ઝડપી હતી. ત્રીજા નંબર પર બેટિગ કરવા આવેલો સૂર્યા શૂન્ય પર આઉટ થઈ ગયો હતો. આ પછી તિલક વર્મા અને હિટમેન વચ્ચે ત્રીજી વિકેટ માટે 60 રનની ભાગીદારી થઈ હતી. તે પાંચ ચોગ્ગાની મદદથી 31 રન કરવામાં સફળ રહ્યો હતો. આ મેચમાં હાર્દિક પંડ્યા નિષ્ફળ રહ્યો અને માત્ર બે રન કરીને આઉટ થયો હતો. તુષાર દેશપાંડેએ તેને પોતાનો શિકાર બનાવ્યો. ચેન્નઈ સામે ટિમ ડેવિડ 13 રન, રોમારીયો શેફર્ડ એક રન અને મોહમ્મદ નબી ચાર રન કરીને અણનમ રહ્યો હતો.
આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ જોરદાર પ્રદર્શન કર્યું અને આઈપીએલ કરિયરની બીજી સદી ફટકારી હતી. તેણે 60 બોલમાં પોતાની સદી પુરી કરી હતી. આ મેચમાં 36 વર્ષીય બેટ્સમેને 63 બોલમાં 11 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ 105 રન કર્યા હતા. જોકે, તે પોતાની ટીમને સતત ત્રીજી જીત અપાવી શક્યો ન હતો. ચેન્નઈ તરફથી મતિષા પથિરાનાએ ચાર વિકેટ લીધી હતી જ્યારે તુષાર દેશપાંડે અને મુસ્તફિઝુર રહેમાને એક-એક વિકેટ લીધી હતી.
અગાઉ ચેન્નઇ તરફથી કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને શિવમ દુબેએ અડધી સદી ફટકારી હતી. ચેન્નઈની શરૂઆત સારી રહી ન હતી. ઓપનિંગ કરવા આવેલો અજિંક્ય રહાણે માત્ર પાંચ રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. આ સાથે જ રચિન રવિન્દ્ર પણ 21 રન કરી શક્યો હતો. આ પછી દુબે અને ગાયકવાડ વચ્ચે ત્રીજી વિકેટ માટે 90 રનની ભાગીદારી થઈ હતી જેને હાર્દિક પંડ્યાએ તોડી હતી.