ધોની ટીમ ઇન્ડિયાનો કોચ બનશે? અટકળો વચ્ચે માહીના ભૂતપૂર્વ સાથી પ્લેયરે કહ્યું કે…

નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) 2021ના ટી-20 વર્લ્ડ કપમાં ભારતની ટીમનો મેન્ટર બન્યો હતો અને હવે ગૌતમ ગંભીરના કોચિંગમાં ટીમ ઇન્ડિયાએ (હાર-જીતનાં) મિશ્ર પરિણામો બતાવ્યા છે એ જોતાં હવે એવી વાતો ચગી છે કે ધોની થોડા સમયમાં ભારતનો હેડ-કોચ (Head-Coach)બની જાય તો નવાઈ નહીં લાગે, પરંતુ ધોનીના જ ભૂતપૂર્વ સાથી ખેલાડી આકાશ ચોપડા (Akash Chopra)નું કંઈક જુદું જ માનવું છે.
ધોનીએ પાંચ વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું સદંતર છોડી દીધું હતું અને ત્યારથી માત્ર આઇપીએલમાં જ રમે છે અને વર્ષના 10 મહિના પરિવાર સાથે એન્જૉય કરે છે.
આ પણ વાંચો: એમ એસ ધોનીએ ડ્રેસિંગ રૂમના રહસ્યો ખોલ્યા, કહ્યું, ‘વિરાટ કોહલી મૂડમાં હોય ત્યારે….’
ધોની આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ને પાંચ ટાઇટલ અપાવ્યા પછી આ ટીમની કૅપ્ટન્સી સત્તાવાર રીતે છોડી ચૂક્યો છે, પરંતુ 2025ની આઇપીએલમાં ઋતુરાજ ગાયકવાડ ઈજા પામતાં ધોનીએ સ્પર્ધા દરમ્યાન સીએસકેની પોણા ભાગની મૅચોમાં નેતૃત્વ સંભાળવું પડ્યું હતું. તે ઘૂંટણની સર્જરીને કારણે 2024ની અને 2025ની આઇપીએલમાં પણ નહોતો રમવા માગતો, પરંતુ કરોડો ચાહકોની ઇચ્છાને કારણે હજી રમતો રહ્યો છે અને 2026ની આઇપીએલ વિશે તેણે કહ્યું છે કે તે ડિસેમ્બર સુધીમાં એ વિશે નિર્ણય લેશે.
ભૂતપૂર્વ ઓપનર આકાશ ચોપડાએ એક યુટ્યૂબ વીડિયો (YouTube video)માં કહ્યું છે કે ` ધોની વિશે જે કંઈ કહેવાઈ રહ્યું છે એ મને વધુ પડતું લાગે છે. કોચિંગની જવાબદારી સંભાળવી બહુ મુશ્કેલ કામ છે. મને નથી લાગતું કે તેને આ હોદ્દો સ્વીકારવામાં રસ હશે. કોચિંગનું કામ જે સંભાળે તેણે વર્ષ દરમ્યાન પરિવારથી દૂર રહીને ખેલાડી જેટલું જ વ્યસ્ત રહેવું પડે અને કયારેક તો પ્લેયરથી પણ વધુ સમય બિઝી રહેવું પડે. જે ખેલાડી વર્ષો સુધી રમ્યો હોય અને પછી વર્ષ દરમ્યાન મહિનાઓ સુધી ફૅમિલી સાથે જિંદગી માણતો હોય તે ફરી આટલી મોટી જવાબદારી ન પણ સ્વીકારે. એટલે જ તો ઘણા ખેલાડીઓ નિવૃત્તિ પછી કોચિંગની જવાબદારી નથી લેતા હોતા. આઇપીએલમાં પ્રશિક્ષકે બે મહિના આપવાના હોય, પરંતુ ફુલ-ટાઇમ ભારતીય કોચ બનનારે વર્ષના 10 મહિના આપવા પડે.’
આકાશ ચોપડાનું કહેવું છે કે જો ધોની ભારતીય ક્રિકેટને વધુ યોગદાન આપવા માગતો હશે તો જ કોચ બનવાનો વિચાર કરશે.