સ્પોર્ટસ

પથિરાનાના યૉર્કરની ઐસીતૈસી, ધોનીએ ફટકારી દીધો હેલિકૉપ્ટર શૉટઃ મુંબઈના બોલર્સ હવે ચેતી જાય…

ચેન્નઈઃ ભારતની આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો જ નહીં, પણ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)નો પણ લેજન્ડરી કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોની એક સીઝનના 20 કરોડ રૂપિયાથી વધુ કૉન્ટ્રૅક્ટ મની માટે દાવેદાર છે, પણ આ વખતે ફક્ત ચાર કરોડ રૂપિયા લઈને રમવા તૈયાર થઈ ગયો એ જ બતાવે છે કે તે નિવૃત્તિના સંધ્યાકાળે પણ તેનામાં આતશબાજી કરવાની કેટલી બધી ભૂખ છે. માહીએ એનો પુરાવો અહીં પ્રૅક્ટિસ-કૅમ્પમાં આપ્યો હતો જેમાં તેણે પોતાની જ ટીમના બાવીસ વર્ષીય શ્રીલંકન ફાસ્ટ બોલર અને લસિથ મલિન્ગા જેવી સ્લિંગ બોલિંગ-ઍક્શન ધરાવતા મથીશા પથિરાનાના એક યૉર્કરમાં હેલિકૉપ્ટર શૉટ ફટકારીને સૌને ચોંકાવી દીધા હતા.

આ પણ વાંચો : ધોની (Dhoni) ઘરે જીતીને આવે કે હારીને, કોણ એકસરખા પ્રેમથી તેનું સ્વાગત કરે?

ગઇ સીઝનમાં ઘણાને એવું લાગતું હતું કે ધોની હવે આઇપીએલમાંથી પણ રિટાયરમેન્ટ જાહેર કરી દેશે, કારણકે ત્યારે તે ઘૂંટણની ઈજાને લીધે બરાબર દોડી પણ નહોતો શક્તો. જોકે તેણે આ વખતે બધાથી પહેલાં પ્રૅક્ટિસ શરૂ કરી દીધી અને 23મી માર્ચે (સાંજે 7.30 વાગ્યાથી) મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) સામે ચેન્નઈમાં જ રમાનારી મૅચમાં સીએસકેને વિજય અપાવવા જાણે કોઈ કસર બાકી નથી રાખવી એવા અભિગમથી પ્રૅક્ટિસ-સેશનમાં ફટકાબાજી કરી છે.

ટી-20 ક્રિકેટમાં 112 વિકેટ લઈ ચૂકેલા પથિરાનાએ પોતે પણ નહીં વિચાર્યું હોય કે 43 વર્ષનો ધોની તેના યૉર્કરને ચીંથરેહાલ કરી નાખશે. પથિરાનાએ સ્લિંગ ઍક્શનથી બૉલ ફેંક્યો અને ધોનીએ પળવારમાં હેલિકૉપ્ટર શૉટમાં સિક્સર ફટકારી દીધી હતી. ખુદ પથિરાના પણ સ્તબ્ધ થઈને હસી પડ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને પાંચ વર્ષ થઈ ગયા છતાં ધોની પોતાની આગવી સ્ટાઇલથી ફટકાબાજી કરવાનું ચૂકતો નથી. પથિરાનાના યૉર્કરમાં હેલિકૉપ્ટર શૉટ ફટકાર્યા બાદ હવે ધોની 23મીએ મુંબઈના કોઈ બોલરના બૉલને એવી જ ટ્રીટમેન્ટ આપશે તો નવાઈ નહીં લાગે.

આ પણ વાંચો : ધોની (Dhoni) કેમ બહુ નીચલા ક્રમે બૅટિંગ કરવા ઉતરે છે?

ધોનીએ મુંબઈના બોલર્સને અલ્ટિમેટમ આપી દીધું છે. જસપ્રીત બુમરાહ વગર મેદાન પર ઊતરનાર મુંબઈની ટીમના બોલર્સે હવે નક્કી કરવાનું છે કે ધોનીને કેવી રીતે કાબૂમાં રાખવો અને હેલિકૉપ્ટર શૉટથી સીએસકેની ઇનિંગ્સને તે લિફ્ટ ન કરી જાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button