ધોનીએ એકવાર શ્રીસાન્તને ઘરભેગો કરી દેવાનું નક્કી કર્યું હતું: અશ્ર્વિન
નવી દિલ્હી: ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્ર્વિને ‘આય હેવ ધ સ્ટ્રીટ્સ-અ કુટ્ટી ક્રિકેટ સ્ટોરી’ ટાઇટલવાળી 184 પાનાંની આત્મકથામાં લખ્યું છે કે ‘એક વાર એમએસ ધોનીએ ગુસ્સામાં એસ. શ્રીસાન્ત (Sreesanth)ને મૅચની અધવચ્ચે જ ઘર ભેગો કરવાનો નિર્ણય લઈ લીધો હતો.’
અશ્ર્વિનની કરીઅરના શરૂઆતના વર્ષોથી માંડીને 2011ના વર્લ્ડ કપ સુધીની તેની ક્રિકેટ-સફર વિશે લખાયેલું આ પુસ્તક તૈયાર કરવામાં જાણીતા સ્પોર્ટ્સ જર્નલિસ્ટ સિદ્ધાર્થ મોન્ગાએ પણ તેને સાથ આપ્યો હતો.
અશ્ર્વિને પુસ્તકમાં ઘટનાનું વર્ણન કરતા જણાવ્યું છે કે ‘2010માં પોર્ટ એલિઝાબેથમાં સાઉથ આફ્રિકા સામેની એક વન-ડે દરમ્યાન શ્રીસાન્ત પર ધોની ખૂબ ગુસ્સે થયો હતો. મૅચ દરમ્યાન ડગઆઉટમાં શ્રીસાન્ત નહોતો દેખાતો એટલે ધોનીએ મને (અશ્ર્વિનને) ગુસ્સામાં પૂછ્યું કે શ્રી ક્યાં છે? મેં તેને કહ્યું કે તે મસાજ માટે ડ્રેસિંગ-રૂમમાં ગયો છે. ધોનીએ મને કહ્યું કે શ્રીને તાબડતોબ નીચે આવીને ડગઆઉટમાં રિઝર્વ્ડ ખેલાડીઓ સાથે બેસવાનું કહી દે. જોકે શ્રીસાન્ત મારું માન્યો નહીં અને ડ્રેસિંગ-રૂમમાં જ બેઠો રહ્યો. હું ડ્રિન્ક્સ લઈને મેદાન પર ગયો ત્યારે ધોનીએ ફરી મને પૂછ્યું કે શ્રી નીચે આવ્યો કે નહીં? મેં ના કહ્યું તો ધોનીએ મને કહ્યું કે રણજિબ સર (મૅનેજર)ને જઈને કહી દે કે શ્રીસાન્તને અહીં રહેવામાં રસ નથી એટલે ભારત પાછા જવા માટે તેની ટિકિટ બુક કરી નાખે.’
અશ્ર્વિને પુસ્તકમાં વધુમાં લખ્યું છે કે ‘ધોનીએ શ્રીસાન્ત વિશે મને આવું કહ્યું ત્યારે હું નવાઈ પામીને તેની સામે જોતો રહ્યો તો તેણે મને કહ્યું કે કેમ શું થયું? તને પણ ઇંગ્લિશ ભાષા સમજમાં નથી આવતી કે શું?’
જોકે થોડી જ વારમાં શ્રીસાન્તે ઝડપથી ઊભા થઈને ડ્રેસ પહેરી લીધો અને નીચે આવી ગયો અને ડગઆઉટમાં બેસી ગયો. પછી તો તે મેદાન પર ડ્રિન્ક્સ લઈને પણ દોડી જતો હતો.’
અશ્ર્વિને પુસ્તકમાં લખ્યું કે ધોનીને મેં આટલો બધો ગુસ્સામાં ક્યારેય નહોતો જોયો.