ધોનીએ સલમાન સહિતના સ્ટાર્સની હાજરીમાં મધરાતે ઊજવ્યો 43મો બર્થ-ડે
મુંબઈ: ભારતના ક્રિકેટ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોનીએ રવિવારે (7 જુલાઈએ) જીવનના 43 વર્ષ પૂરા કર્યા હતા અને આ વખતનો બર્થ-ડે તેણે બૉલીવૂડના સિતારાઓ સાથે ઉજવ્યો હતો.
શનિવારે મુંબઈમાં ધોનીએ પત્ની સાક્ષી સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ગ્રૅન્ડ સંગીત સેરેમનીમાં હાજરી આપી હતી અને એ સમારોહમાં ઍક્ટર સલમાન ખાન (Salman Khan) તથા અન્ય અભિનેતા-અભિનેત્રીઓ પણ હાજર હતાં. ધોનીના બર્થ-ડેની ઉજવણી શનિવારે મધરાતે જ ગોઠવી દેવામાં આવી હતી. સલમાનની હાજરીમાં ધોનીએ કેક કાપી હતી.
ધોનીની કેક કટિંગ સેરેમની વખતે પત્ની સાક્ષી પણ હાજર હતી. સાક્ષી તેને કેક ખવડાવ્યા બાદ તેને પગે લાગી હતી.
સલમાને સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં ‘હૅપ્પી બર્થ-ડે કૅપ્ટન સાહેબ!’ એવું લખ્યું હતું.
ધોનીની આ જન્મદિનની ઉજવણીનો વીડિયો વાયરલ થયો હતો.
માહીના બર્થ-ડેના સેલિબ્રેશન દરમ્યાન જાહેરાત કરવામાં આવી હતી કે ધોનીની કરીઅર અને અંગત જીવન પર બનેલી બાયોપિક ‘એમ. એસ. ધોની: ધ અનટૉલ્ડ સ્ટોરી’ આ મહિનામાં ફરી રિલીઝ કરવામાં આવશે. આ સુપર-ડુપર હિટ ફિલ્મમાં ધોનીનું પાત્ર સદ્ગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ભજવ્યું છે. કિયારા અડવાણી અને દિશા પટ્ટણીની પણ આ ફિલ્મમાં ભૂમિકા છે.
આ પણ વાંચો : Happy birthday Dhoni: કેક કટિંગ પછી પત્ની સાક્ષી કેમ પગે પડી ગઈ
ધોનીને રવિવારે બર્થ-ડે નિમિત્તે ચેન્નઈ સુપર કિંગ્સના કૅપ્ટન અને ઝિમ્બાબ્વેમાં ટી-20 સિરીઝ રમી રહેલા ઋતુરાજ ગાયકવાડે વીડિયો કૉલ કરીને જન્મદિનની શુભેચ્છા આપી હતી. એ વીડિયો કૉલમાં ધોનીને અભિનંદન અને શુભેચ્છા આપવામાં ગાયકવાડ સાથે તુષાર દેશપાંડે તથા મુકેશ કુમાર પણ જોડાયા હતા.
બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે ટ્વિટર પર ધોનીની ત્રણ ટ્રોફી સાથેની તસવીર શૅર કરીને તેને બીસીસીઆઇ વતી જન્મદિનની શુભેચ્છા આપી હતી.