ચહલના શૂગર ડેડી ટીશર્ટ મામલે ધનશ્રીએ ઠાલવ્યો આક્રોશ, ડિવોર્સ મામલે કરી દિલ ખોલીને વાતો

મુંબઈ: ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર-અભિનેત્રી ધનશ્રી વર્માનો ડાયવોર્સ થયાને ઘણા મહિના થઈ ગયા, પરંતુ બંને હજુ પણ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા ચહલે છૂટાછેડા દિવસે પહેરેલા ટીશર્ટ પરના લખાણ ‘શુગર ડેડી’ પર વિવાદ થયો હતો. હવે પ્રથમ વખત ધનશ્રીએ પણ આ મુદ્દે પોતાની વાત રજૂ કરી, જેમાં તે ચહલ પર નારાજગી વ્યક્ત કરતી જોવા મળી. તેમણે ડાયવોર્સના સમયે કોર્ટમાં પોતાની ભાવનાત્મક સ્થિતિ અને ચહલની ટી-શર્ટની ઘટના પર ખુલીને વાત કરી હતી.
મીડિયા અહેવાલો પ્રમાણે ધનશ્રી વર્માએ પોતાના ડાયવોર્સના અનુભવ શેર કર્યા હતા. તેણે જણાવ્યું કે તલાકની કાર્યવાહી દરમિયાન તે ખૂબ ભાવુક હતી અને કોર્ટમાં અંતિમ નિર્ણય સમયે તે રડી પડી હતી. જ્યારે ચહલે કોર્ટમાં ‘શુગર ડેડી’ ટી-શર્ટ પહેરી હતી, તે જોઈને ધનશ્રીને લાગ્યું કે હવે બધુ ખતમ થઈ ગયું છે. તેણે ચહલના આ વર્તનને લઈને નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે આવી બાબતો પોડકાસ્ટમાં નહીં, પરંતુ વ્યક્તિગત રીતે વાતચીતથી ઉકેલી શકાય હોત.
ધનશ્રીએ કહ્યું કે ડાયવોર્સની ઘટના તેના માટે ખૂબ મુશ્કેલ હતી. તેણે ચહલને દરેક નાની-મોટી બાબતમાં સાથ આપ્યો હતો, પરંતુ ડાયવોર્સ સમયે ચહલની ટી-શર્ટ જોઈને તેને લાગ્યું કે આ બધુ બિનજરૂરી હતુ. તેણે કહ્યું, “મને ખબર હતી કે લોકો મને જ દોષ આપશે, જેવી પેર્ટન છે, પરંતુ જ્યારે મેં ફોનમાં તે ટી-શર્ટ જોઈ, તો મને લાગ્યું કે આ શું હતુ? હું તેના માટે શું કામ રડું? આટલુ હતુ તો મેસેજ કરી દેત.” ધનશ્રીએ એમ પણ કહ્યું કે ડાયવોર્સ ક્યારેય સરળ નથી હોતા.
યુજવેન્દ્ર ચહલે અગાઉ એક મીડિયા ઈન્ટરવ્યૂહ જણાવ્યું હતું કે તે કોઈ ડ્રામા ઇચ્છતો ન હતો, પરંતુ ‘શુગર ડેડી’ ટી-શર્ટ દ્વારા એક સંદેશ આપવા માગતો હતો. આના જવાબમાં ધનશ્રીએ હળવા અંદાજમાં કહ્યું, “મને ભૂતથી ડર નથી લાગતો, પરંતુ પોડકાસ્ટથી લાગે છે, કે કોણ ક્યારે શું બોલી જાય.” તેણે એમ પણ કહ્યું કે દરેક સિક્કાની બે બાજું હોય, તાલી કોઈ દિવસ એક હાથે નથી વાગતી, તે હાલમાં પોતાની બાજુ ખુલ્લેઆમ નથી રજૂ કરવા માગતી. તેણે ચહલ પર સીધા આરોપ નથી લગાવ્યા, પરંતુ કહ્યું કે તેની પણ એક વાત છે, જેના પર તેઓ ભવિષ્યમાં કદાચ બોલશે.
ધનશ્રીએ સ્પષ્ટ કર્યું કે હાલ તેનું ધ્યાન પોતાની કારકિર્દી અને આગળ વધવા પર છે. તેણે જણાવ્યું કે તેની આગામી ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ થવાની છે, અને તે હવે પોતાને ફરીથી નવી શરૂઆત કરવા માગે છે. તેણે એમ પણ કહ્યું કે લોકો ફેક મેરેજની વાતો કરે છે, પરંતુ તે ચહલના પોડકાસ્ટના નિવેદનોનો ફાયદો નથી ઉઠાવવા માગતી. ધનશ્રીનું કહેવું છે કે હવે આ સમય પોતાને સુધારવાનો અને નવી શરૂઆત કરવાનો છે.