સ્પોર્ટસ

PAK vs SL: સુરક્ષા અંગે ચિંતા છતાં શ્રીલંકન ક્રિકેટરોને પાકિસ્તાનમાં જ રોકાવું પડશે, બોર્ડે આપી ચેતવણી

ઇસ્લામાબાદ: મંગળવારે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક સ્થાનિક કોર્ટની બહાર થયેલા બોમ્બ વિસ્ફોટમાં 12 લોકોના મોત થયા હતા અને 27 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી ODI સિરીઝ અને ત્યાર બાદ રમાનારી ટ્રાઈ સિરીઝ મુશ્કેલમાં ફસાઈ હતી, કેમ કે સુરક્ષા ચિંતાઓને કારણે આઠ શ્રીલંકાના ખેલાડીઓએ સ્વદેશ પરત ફરવા ઈચ્છા વ્યક્ત કરી છે, હવે શ્રીલંકા ક્રિકેટ (SLC) એ સ્પષ્ટતા કરી છે કે ખેલાડીઓને પાકિસ્તાનમાં રહીને સિરીઝ પૂરી કરવી પડશે.

બુધવારે મોડી રાત્રે એક નિવેદન જાહેર કરીને શ્રીલંકા ક્રિકેટે જણાવ્યું કે ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને ટીમ મેનેજમેન્ટને પાકિસ્તાનમાં રહેવા અને પ્રવાસ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. શ્રીલંકા ક્રિકેટે ચેતવણી આપી હતી કે ટીમનો કોઈપણ સભ્ય આ સૂચનાઓ વિરુદ્ધ શ્રીલંકા પરત ફરશે, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

ખેલાડીઓને ખતરી આપવામાં આવી:

ગઈ કાલે રાત્રે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું,”ટીમ મેનેજમેન્ટે આજે સવારે શ્રીલંકા ક્રિકેટને જાણ કરી કે હાલમાં પાકિસ્તાનના પ્રવાસે રહેલી ટીમના કેટલાક સભ્યોએ સલામતીના કારણોસર વતન પરત ફરવા ઈચ્છે છે. SLC એ ખેલાડીઓ સાથે તાત્કાલિક વાતચીત કરી અને તેમને ખાતરી આપી કે ટીમના દરેક સભ્યની સલામતી માટે માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને સંબંધિત અધિકારીઓ સાથે સંકલનમાં કરવામાં આવી રહ્યું છે અને તમામ ચિંતાઓનું યોગ્ય રીતે નિરાકરણ કરવામાં આવી રહ્યું છે.”

SLCએ આપી ચેતવણી:

SLCએ ચેતવણી આપી કે નિર્દેશો છતાં કોઈ ખેલાડી અથવા સપોર્ટ સ્ટાફનો સભ્ય વતન પરત ફરે છે, તો ઔપચારિક સમીક્ષા કરવામાં આવશે, અને ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવશે.

બોર્ડે એમ પણ જણાવ્યું કે જો કોઈ ખેલાડી કે સ્ટાફ સભ્ય પાકિસ્તાન છોડી જવાનું પસંદ કરે તો, તેના રિપ્લેસમેન્ટ માટે ખેલાડીઓ મોકલવામાં આવશે, જેથી સિરીઝમાં અવરોધ ના આવે.

https://twitter.com/SriLankaTweet/status/1988668657820660125?s=20


મેચના શેડ્યુલમાં ફેરફાર:

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના જણાવ્યા મુજબ બીજી અને ત્રીજી ODI મેચના શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાવલપિંડીમાં ગુરુવારે રમાનારી બીજી ODI મેચ હવે શુક્રવારે રમાશે, જ્યારે ત્રીજી ODI મેચ 15 નવેમ્બરને બદલે 16 નવેમ્બરના રોજ રમશે. 11 નવેમ્બરે રમાયેલી સિરીઝની પહેલી ODIમાં શ્રીલંકાની છ રનથી હાર થઇ હતી.

આ પણ વાંચો…ટેસ્ટ ટીમમાં જુરેલની એન્ટ્રી થતાં નીતીશનો ` કૅપ્ટન બદલાઈ ગયો!’: કોલકાતાથી પહોંચી ગયો રાજકોટ…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button