ગિલને દોઢ હજાર રન બનાવવા છતાં સર્વોચ્ચ અવૉર્ડ ન મળ્યો, કોહલીએ જીતીને રેકૉર્ડ રચી દીધો

દુબઈ: ક્રિકેટજગતમાં હાલમાં વિરાટ કોહલીથી વધુ સારી ફિટનેસ ધરાવતો અને માનસિક રીતે સુસજ્જ લાગતો બીજો ખેલાડી દેખાતો નથી. તે આઇપીએલમાં કુલ 7000થી વધુ રન બનાવનારો વિશ્ર્વનો એકમાત્ર ખેલાડી છે, પરંતુ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરને એકેય ટાઇટલ નથી અપાવી શક્યો. ભારત વતી પણ તેણે બૅટિંગમાં અનેક વિક્રમો કર્યા છે અને ઢગલો રન બનાવ્યા છે, પરંતુ છેલ્લા 10 વર્ષમાં ટીમને એકેય મોટી ટ્રોફી નથી અપાવી શક્યો. એમ છતાં વિરાટ હજી પણ ‘કિંગ કોહલી’ તરીકે જ ઓળખાતો રહ્યો છે એનું સૌથી મોટું કારણ એ છે કે યુવાનિયાઓ વચ્ચે પણ 35 વર્ષના આ અનુભવી બૅટરે પુરસ્કાર મેળવવાનું બંધ નથી કર્યું.
આઇસીસીના લેટેસ્ટ અવૉર્ડ્સમાં પણ તેનું જ નામ ચમકી રહ્યું છે. આઇસીસીએ તેને 2023ના વર્ષનો ‘આઇસીસી મેન્સ ઓડીઆઇ ક્રિકેટર ઑફ ધ યર’ અવૉર્ડ માટે પસંદ કર્યો છે. કોહલીનો આ ચોથો અને આઇસીસી તરફથી મળેલો કુલ 10મો વ્યક્તિગત પુરસ્કાર છે.
વન-ડેમાં ચાર વખત વર્ષના બેસ્ટ પ્લેયરનો પુરસ્કાર જીતનારો તે પહેલો જ ખેલાડી છે. એબી ડિવિલિયર્સ ત્રણ વખત આ પુરસ્કારથી સન્માનિત થયો છે.
કોહલી આઇસીસીના કુલ 10 વ્યક્તિગત પુરસ્કાર જીતનારો વિશ્ર્વનો પ્રથમ પ્લેયર પણ બન્યો છે. તે 2017, 2018માં સર ગારફીલ્ડ ટ્રોફી (આઇસીસી ક્રિકેટર ઑફ ધ યર) 2012, 2017, 2018, 2023માં વન-ડે ક્રિકેટર ઑફ ધ યર અવૉર્ડ, 2023માં ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ યર અવૉર્ડ, 2019માં સ્પિરિટ ઑફ ક્રિકેટર અવૉર્ડ તેમ જ મેલ ક્રિકેટર ઑફ ધ ડીકેડ અવૉર્ડ (2010-’19) પણ જીતી ચૂક્યો છે.
સૌથી મોટી નવાઈની વાત એ છે કે 2023માં રમાયેલી વન-ડે મૅચોમાં શુભમન ગિલના 1584 રન તમામ બૅટર્સમાં હાઇએસ્ટ હતા, પણ અવૉર્ડ સેક્ધડ-હાઇએસ્ટ 1377 રન બનાવનાર કોહલીને મળ્યો છે. કોહલીએ 2023માં વન-ડેમાં છ સેન્ચુરી અને આઠ હાફ સેન્ચુરી ફટકારી હતી.
આઇસીસીએ 2023ના વર્ષ માટેનો ક્રિકેટર ઑફ ધ યરનો પુરસ્કાર પૅટ કમિન્સને આપવામાં આવ્યો છે.